ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા પછી ગાંધીનગર રેલવે સ્ટેશને કુલડીમાં ચા પીને ચા સેન્ટરનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ પછી તેઓ ગાંધીનગરના માણસામાં તેમના કુળદેવતાના દર્શનાર્થે ગયા હતા. દરમિયાનમાં તેમણે મુખ્યપ્રધાન અને પ્રધાન મંડળના બે પ્રધાનો સાથે બેઠક યોજી હોવાનું બહાર આવ્યું છે. અમિત શાહે રૂ. ૧૦.૯૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શીલાન્યાસ કર્યા હતા.
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત આવ્યા પછી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જયાં તેમણે ચા સેન્ટરનું ઉદ્દઘાટન કર્યુ અને ચા પીવા માટે કુલડીના ઉપયોગ પર ભાર આપીને તેમણે પ્લાસ્ટીકથી થતા પ્રદૂષણથી મુકત બનાવતુ હોવાથી કુલડીના ઉપયોગની અપીલ કરી હતી. આ સાથે નવા ચૂંટાયેલા ગાંધીનગરના ધારાસભ્યોને મળ્યા હતા. આ પછી ગાંધીનગરના માણસા ખાતે કુળદેવતાના મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે દરવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ નિમિત્તે માતાજીના આશીર્વચન મેળવ્યા હતા. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રહ્યા હતા.
દરમિયાનમાં તેમણે મુખ્યપ્રધાન ઉપરાંત રાજયના બે પ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમને આગામી દિવસોમાં કરાનારા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હોવાનું સુત્રોનું કહેવું છે. ગૃહ પ્રધાને ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂ.૩ કરોડના ખર્ચથી પાનસર તળાવના બ્યુટિફિકેશનનુ કામ અને રૂ. ૭.૯૧ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. કલોલના સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા નવનિર્મિત શાળા અને પીએસએમ હોસ્પિટલમાં બનાવેલ ઓકિસજન પ્લાન્ટનું ઉદ્દઘાટન પણ અમિત શાહે કર્યું હતું.