જેતપુર: ખોડલધામ ટ્રસ્ટ કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.
પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. કાગવડ ગામે પ્રાથમિક શાળામાં નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ પહોંચ્યા હતા. પદયાત્રામાં મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. ઉપરાંત કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘણીની ૧૦૫ કિલો ચાંદીથી રજતતુલા કરાઈ હતી. મુંબઈ, સુરત અને ભાવનગરના દાતાઓએ કેબિનેટ મંત્રીને વજન બરાબર ચાંદીથી તુલા કરીને સન્માનિત કર્યા હતા.