અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ૪૪ બેઠકોમાંથી ભાજપે ૪૧ બેઠકો જીતી લઈ વિજયી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસને માત્ર બે સીટ મળી છે જ્યારે આપ ફક્ત એક જ બેઠક મેળવી શકી છે. જો કે નોંધપાત્ર બાબત એ છે કે ભાજપે જે કુલ મતો ૨૬૪૯૦૨ મેળવ્યા છે તેના કરતાં ૧૮૯૮૭ વધુ મત કોંગ્રેસ-આપના થાય છે. કોંગ્રેસને ૧૫૯૮૩૫ જ્યારે આપને ૧૨૪૦૫૪ મતો મળ્યા છે.
આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો આઠ વોર્ડમાં ભાજપને મળેલા કુલ મત સામે કોંગ્રેસ-આપના મતોનો સરવાળો વધી જાય છે. માત્ર ત્રણ વોર્ડમાં જ ભાજપને કોંગ્રેસ-આપના સંયુક્ત મતો કરતા વધુ મત મળ્યા છે.
જો આપ ન હોત તો?
ભાજપે ૪૪ વોર્ડમાંથી ૮ વોર્ડમાં ક્લીન સ્વીપ કરી. મોટાભાગના વોર્ડમાં આપે કોંગ્રેસની બાજી બગાડી. પરંતુ જો વોર્ડ પ્રમાણે આપ અને કોંગ્રેસને મળેલી મતોની કુલ ટકાવારીનો સરવાળો કરીએ તો પરિણામનું ચિત્ર ઉલ્ટું હોત. કુલ સાત વોર્ડમાં આપ અને કોંગ્રેસની મતોની કુલ ટકાવારીનો સરવાળો ભાજપની મતોની ટકાવારીથી વધુ છે. આપની એન્ટ્રીથી સાત વોર્ડમાં આપ ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકસાન કરાવી ગયું. વોર્ડ નંબર ૨,૩,૪,૬,૭,૯,૧૧ આ સાત વોર્ડમાં કોંગ્રેસ-આપને મળેલા મત ભાજપથી વધુ છે. સીધી રીતે ૭ વોર્ડની ૨૮ બેઠક પર ભાજપ માટે એક્સ ફેક્ટર સાબિત થયું.