નવી દિલ્હીઃ ભારત ટેક્સ્ટાઇલ સેક્ટરમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમનું સૌથી મોટું નિકાસકાર છે, તેને આગળ વધારવા અને આ ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઊભી કરવા માટે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવા બુધવારે કેન્દ્રીય કેબિનેટે પીએમ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમ હેઠળ દેશમાં સાત ટેક્સ્ટાઇલ મેગા પાર્ક માટે આગામી પાંચ વર્ષમાં લગભગ રૂ. ૪૪૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન સરકારે ટેક્સ્ટાઇલને લઈને ત્રીજો મોટો નિર્ણય કર્યો છે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી. સરકારના આ નિર્ણય બાદ શેરબજારો પર ટેક્સ્ટાઇલ ક્ષેત્રની કંપનીઓના શેરમાં મોટો ઉછાળો નોંધાયો હતો. સામાન્ય રીતે ટેક્સ્ટાઇલ સેક્ટરમાં મહિલાઓ માટે રોજગારીની વધારે તકો ઊભી થતી હોય છે. પીએલઆઈ સ્કીમના કારણે મહિલાઓને રોજગાર આપવાના મોરચે પ્રોત્સાહન મળશે અને અર્થતંત્રના ઔપચારિક ક્ષેત્ર સાથે જોડાઈ શકશે.
આ સ્કીમથી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, પંજાબ, ઓડિશા જેવા રાજ્યોને ઘણી મદદ મળશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે દેશમાં સાત ટેક્સ્ટાઇલ પાર્ક ઊભા કરવા ૧૦ રાજ્યોએ રસ દર્શાવ્યો છે આ પાર્ક તૈયાર થતાં સાત લાખ સીધી અને ૧૪ લાખ આડકતરી રોજગારી ઊભી થશે. એક પાર્ક ઊભો કરવામાં લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હવે એક હજાર એકરમાં પાર્ક બનશે અને તેમાં રોકાણ માટે ખાસ પ્રોત્સાહનો બે તબક્કામાં આપવામાં આવશે. આ સેક્ટરમાં મજૂરોની પણ જરૂર હોય છે અને ડિઝાઇનરોની પણ જરૂરિયાત હોય છે, આમ કુશળ અને બિનકુશળ એમ તમામ કારીગરોને રોજગારની તક મળશે. આ પાર્કને પોર્ટની નજીક બનાવવામાં આવશે, જેથી નિકાસમાં સરળતા રહેશે.
મેગા ટેકસ્ટાઇલ પાર્ક શું છે?
ટેક્સ્ટાઇલ પાર્ક મારફત આ સેક્ટરની નિકાસમાં સુધારો કરવાની તૈયારી છે અને તેથી જ સરકાર ટેક્સ્ટાઇલ પાર્ક બનાવી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પાર્ક હેઠળ એકજ સ્થળ ઉપર તમામ ફેક્ટરી યુનિટોને સ્થાપિત કરવામાં આવે છે, કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી તમામ પાયાની સુવિધાઓ જેવી કે ઉત્પાદન, માર્કેટ લિંકેજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.