ભુજઃ મુંબઇથી ગોવા જતી આલિશાન ક્રૂઝમાં ચાલતી રેવ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરતા પકડાયેલા નબીરામાં ફિલ્મી હસ્તી શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ છે એ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસનીશ એજન્સી નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ સાથે જોવા મળતો મનીષ ભાનુશાલી મૂળ કચ્છનો છે ત્યારે વિરોધ પક્ષો દ્વારા મનીષની ભૂમિકા સામે સવાલો ઊઠયા છે. મધદરિયે રાત્રે ૧૦ વાગ્યે ડ્રગ્સપાર્ટી પર દરોડો પાડનાર એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે જ્યારે આર્યન ખાનને મુંબઇ લઇ આવે છે અને કચેરીએ જાય છે તેની સાથે આ મનીષ ભાનુશાલી પણ જોવા મળે છે. દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા આ ડ્રગ્સકાંડનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે મહારાષ્ટ્રની અઘાડી સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. નબીરાઓને મુંબઇ લાવવામાં આવ્યા ત્યારે લાલ રંગના શર્ટમાં જોવા મળતો મનીષ ભાનુશાલી મૂળ અબડાસાનો ભવાનીપર ગામનો છે. અબડાસાના ભવાનીપરમાં જન્મેલો અને મોથાળા હાઇસ્કૂલમાં ભણતો મનીષ ધંધાઅર્થે મુંબઇ ગયો ને ડોમ્બિવલી સ્થાઇ થયો હતો. ડોમ્બીવલીમાં જુદા જુદા લોકોના સંપર્કમાં આવ્યા પછી ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યાં નરેન્દ્ર મોદી ફેન ક્લબ પણ ચલાવે છે. ભાજપના નેતાઓની મુલાકાત વખતે નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખીન આ મનીષ નિયમિત ભવાનીપર આવે છે અને મળેલી જાણકારી પ્રમાણે પોતે આ કેસનો સાક્ષી હોવાનું જણાવે છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એક પત્રકાર પરિષદમાં મનીષની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરીને દિલ્હીમાં આ ફર્જી દરોડો પાડવાનું આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું જણાવીને ભાજપના ઇશારે ષડયંત્ર હોવાનું કહ્યું હતું. નવાબ મલિકે પત્રકાર પરિષદમાં કેટલાક ફુટેજ રજૂ કર્યા હતા અને જણાવ્યું કે, મનીષના ભાજપ નેતાઓ સાથે સંપર્ક છે, જ્યારે કચ્છમાં મુંદરા ખાતે કરોડો રૂપિયાનો હેરોઇન પકડાયો છે, ત્યારે ગુજરાતમાં સરકાર બદલી હતી અને મનીષ પણ ગુજરાતમાં કેટલાક નવા મંત્રીઓ સાથે જોવા મળ્યો હોવાની તસવીરો રજૂ કરતાં ખરેખર મૂળ કચ્છના મનીષ ભાનુશાળીની ભૂમિકા શું છે તેની તપાસની માંગ કરી હતી.'