અમદાવાદઃ તાજેતરમાં દુબઇ ખાતે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે અમદાવાદથી મુસાફરોનો ધસારો વધ્યો છે. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આરટીપીસીઆર માટે લાંબી લાઇન લાગી છે. દુબઇ સરકારના નિયમ મુજબ મુસાફરોએ ફલાઇટમાં બેસવાના ૬ કલાક પહેલા આરટીપીસીઆર કરેલો હોવો જોઇએ તેમજ તે સિવાયના માટે ૪૮ કલાક પહેલાનો નેગેટીવ રિપોર્ટ હોવો જોઇએ. મુસાફરોએ આરટી-પીસીઆર માટે એરપોર્ટ ઉપર રૂ. ૨૭૦૦ ચાર્જ ચુકવીને ટોકન લઇને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. એરપોર્ટ સંચાલકોએ વધારે કાઉન્ટર કરવા મુસાફરોની માગ છે.
અમદાવાદથી દુબઇ જવાની ફલાઇટનો સમય એક સરખો હોવાથી ૨ થી ૩ ફલાઇટના મુસાફરો એક સાથે એકત્ર થતા હોવાથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવનારાઓની ભારે ભીડ થઇ જાય છે. જે મુસાફરો પાસે બન્ને ટેસ્ટ નેગેટીવ હશે તેમને ફલાઇટમાં બેસવા દેવામાં આવશે. એરપોર્ટ પર ટેસ્ટ કરાવવા માટે મુસાફરોએ રૂ. ૨૭૦૦ ચાર્જ ચૂકવવા પડે છે. દુબઇની ફલાઇટના સમયથી ૭ થી ૮ કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડે છે. આરટી-પીસીઆરના ટેસ્ટ માટે પૈસા ભરીને ટોકન લેવું પડે છે. ત્યાર બાદ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પ્રતીક્ષા કરવી
પડે છે.