પત્નીને ચપ્પુના ઘા કરી મોતને ઘાટ ઉતારનાર પતિની કબૂલાત

Wednesday 13th October 2021 09:14 EDT
 
 

લેસ્ટરના અપીંગહામ ક્લોઝ, ગુડવુડ, થર્ન કોર્ટમાં રહેતા ૨૮ વર્ષના કશીષ અગ્રવાલે એની પત્ની ગીતીકા ગોયેલ (૨૯)ને માર્ચ મહિનામાં ગળા, છાતી, ખભા અને કાંડા પર તીક્ષ્ણ હથીયાર વડે ઉપરાછાપરી ઘા કરી મોતને ઘાટ ઉતારી શેરીના ફૂટપાથ પર ફેંકી દીધી હતી. હત્યાના ગુનાસર લેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાલી રહેલ કેસમાં એને કસૂરવાર ઠેરવાયો છે.
અપીંગહામ ક્લોઝ, A47ની સામે આવેલ ગલી રોલેટ્સહીલ, લેસ્ટર પરથી શ્રીમતી ગીતીકા ગોયેલનો મૃતદેહ મળી આવ્યા બાદ ટૂંક સમયમાં જ એના પતિ કશીષ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી હતી.
શુક્રવાર, ૮ ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ ટૂંક સમય માટે કોર્ટમાં એને હાજર કરાયો ત્યારે ઘટના વિષયક ખૂબ જ થોડી માહિતી રજુ કરી હતી. જો કે એની અપડેટ માહિતી લેસ્ટરશાયર પોલીસે બહાર પાડતા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ આ યુગલ લગ્નગ્રંથીથી જોડાયેલ હતું અને એણે તીક્ષ્ણ હથિયાર વડે એની પત્ની પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.”
નિવેદન મુજબ શ્રીમતી ગીતીકા ગોયેલના ભાઇએ ૩ માર્ચની રાતે ૯ વાગ્યા પહેલા પોલીસમાં એની બહેન લાપત્તા હોવાનો રીપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે એના ઘરે જઇ તપાસ આદરી હતી. ૪ માર્ચની વહેલી સવારે ૨.૨૫ વાગ્યે કોઇ રાહદારીએ પોલીસને ફોન કરી જણાવ્યું કે, “અપીંગહામ ક્લોઝના ફૂટપાથ પર એક મહિલા પડી છે." ઇસ્ટ મીડલેન્ડ પોલીસ એમ્બ્યુલન્સ સર્વિસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને શ્રીમતી ગીતીકા જ્યાં પડ્યા હતા ત્યાં જઇ જોયું તો એની ગરદન, છાતી, ખભા અને કાંડા પર તીક્ષ્ણ હથિયારના ઘાથી ઇજા પહોંચાડવામાં આવી હતી. સ્થળ પર જ એ મૃત હોવાનું જાહેર કરાયું હતું.
આ કેસની તપાસ કરી રહેલ ઇસ્ટ મીડલેન્ડ સ્પેશીયલ યુનિટનાં વરિષ્ઠ અધિકારી ડીટેક્ટીવ ઇન્સ્પેક્ટર જેની હેગ્ગસે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, “ગીતીકા ગોયેલના કુટુંબીજનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. ગીતીકાને અમે પાછી લાવી શકતા નથી એનું અમને દુ:ખ છે પરંતુ એને ન્યાય મળે એ માટેની અમારી કોશીષ ચાલુ રહેશે. અમે ગીતીકાના કુટુંબીજનોને પૂરેપૂરો સહકાર આપી સજાની સુનાવણી માટે તૈયારી કરીશું.”
સોમવારે સીટી ક્રાઉન કોર્ટમાં પ્રી-ટ્રાયલ રીવ્યુ માટે એને હાજર કરાયો ત્યારે ગુનેગાર ન હોવાનું પોતાનું નિવેદન ફેરવી તોળ્યું.
બેરીસ્ટરે એના પર પુન: ચાર્જ મૂકવાનું કહ્યું ત્યારે અગ્રવાલે કબૂલ્યું કે, મીસ ગોયેલનું એણે ૩ માર્ચના રોજ ખૂન કર્યું હતું. ટીમોથી સ્પેન્સર Q.C. એ ખૂન કરવા માટે વપરાયેલ મોટું ચપ્પુ કોર્ટ સમક્ષ રજુ કર્યું. વધુમાં અગ્રવાલને જણાવ્યું કે, આ મહિનાના અંતમાં સજાની સુનાવણી થશે , “કાયદાની રૂએ આ સૌથી ગંભીર ગુનો છે એ માટે તું ગુનેગાર છું. જે માટે તને આજીવન સજા થઇ શકે છે.” ત્યારબાદ અગ્રવાલને કસ્ટડીમાં પાછો લઇ જવાયો હતો. આગામી સુનાવણી સુધી એને કસ્ટડીમાં રખાશે.
ગીતીકા ગોયેલ માટે ભારતથી આવેલ મૂરતિયો કશીષ અગ્રવાલના એરેન્જ મેરેજ હતા. ગીતીકાના માતા-પિતા ધનાઢ્ય હોવાથી દિકરીને લગ્નમાં BMW કાર ભેટમાં આપી હતી અને રહેવા માટે ઘર પણ ખરીદી આપ્યું હતું. લેસ્ટરના શ્રીમતી ભોજાણી જે મહિલાઓના હક્કો અને શોષણ વિરૂધ્ધ ઝૂંબેશ ચલાવી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન મહિલાઓ ઉપર શોષણકર્તા પતિઓ દ્વારા જુલ્મ કરવાના કિસ્સાઓ વધી ગયા હતા. લેસ્ટરશાયરમાં ચાર એશિયન મહિલાઓને મોતને ઘાટ ઉતાર્યાના કિસ્સાઓમાં ગીતીકાનો એક છે.સમાજમાં થતા આવા હિંસક હુમલાના ગુનાઓ સામે હિન્દુઓએ એક થઇ આપણી દિકરીઓ જે આવા ત્રાસનો ભોગ બને છે જેને પરિવાર તરફથી પણ ટેકો નહિ મળે એવો ભય હોય છે એનાથી મુક્ત કરવી જોઇએ.


comments powered by Disqus