વડોદરાઃ ‘કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું ‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે આજે ખબર કરજો’ સૈયદ અબ્દુલ અઝીઝ કાદરીની આ રચના હંમેશા ગુજરાતી સાહિત્ય જગતમાં અમર રહેશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સાહિત્ય જગતને પોતાની લેખનશૈલીથી સમૃદ્ધ બનાવનાર વડોદરાના પ્રખ્યાત શાયર, કવિ, લેખ, વિવેચક અને સાહિત્યકાર સૈયદ અબ્દુલ અઝીઝ કાદરીનું નવમી ઓક્ટોબરે ટૂંકી માંદગી બાદ ૮૯ વર્ષની જૈફ વયે નિધન થયું છે. જેને લઈને સાહિત્યરસિકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
તેમનો જન્મ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના મોગલવાડામાં ઈ.સ. ૧૯૩૩માં ૨૬ ઓક્ટોબરના રોજ થયો હતો. તેમણે મૈટ્રિક સુધીનો અબ્યાસ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં તેઓ એક માત્ર એવા સાહિત્યકાર અને ફનકાર હતાં જેઓ ‘સનઅત-એ-આદાદ’ના જાણકાર હતાં. એટલે કે મૂળાક્ષરોની આકડાંકીય કીંમત પરથી કોઈ શબ્દની તારીફ કરવી. પહેલાના સમયમાં ઇતિહાસને લગતાં તમામ પુસ્તકોના નામ આ પદ્ધતિથી લખવામાં આવતાં હતા. તેમણે મજરુ સુલતાનપુરી, કૈફી આઝમી, જાનિસાર અખ્તર, નિદા ફાઝલી, શકીલ બદાયૂની, સાહિર લૂધિયાનવી, હસરત જયપુરી જેવા ઉચ્ચ દરજ્જાના ઉર્દુ શાયરોને વડોદરા બોલાવી તેમની સાથે મુશાયરા કર્યા છે.