અમદાવાદ: મરણતોલ માર ખાધેલી ગુજરાત કોંગ્રેસની સારવાર માટે રાજસ્થાનની ડો. રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણય જાહેર કર્યા હતો, ગુજરાતની સાથે દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીની પણ પ્રભારી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. ડો. રઘુ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અત્યંત નિકટના મનાય છે, શર્મા અત્યારે રાજસ્તાનની કોંગ્રેસ સરકારમાં આરોગ્ય મંત્રી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક પછી એક ભૂંડી હારનો સામનો કર્યા બાદ ગુજરાત કોંગ્રેસની હાલત અત્યારે અત્યંત દયનીય છે, ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા, આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડે શર્માને ગુજરાતના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપી છે. ડો. શર્મા યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઈમાં કામ કરી ચૂક્યા છે. એઆઈસીસીના સેક્રેટરી તરીકે પણ જવાબદારી સંભાળી હતી, હાલમાં રાજસ્થાનની સરકારમા કેબિનેટ મંત્રી છે. ગુજરાત કોંગ્રેસને ચાર મહિના કરતાં વધુ સમયપછી પ્રભારી મળ્યા છે, છેલ્લે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થયું હતું. સાતવની પહેલા અશોક ગેહલોત ગુજરાતના પ્રભારી હતા. હવે આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.