મોદી સત્તાના ૨ દશકા સૌથી લોકપ્રિય પીએમ બન્યા

Wednesday 13th October 2021 06:43 EDT
 
 

નવી દિલ્હીઃ ૭ ઓકટોબર ૨૦૨૧ ભારતની સત્તા માટે મહત્વની તારીખ છે. ૨૦ વર્ષ પહેલા એટલે કે ૭ ઓકટોબર ૨૦૦૧ની તારીખે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે તેમણે સત્તામાં ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ૭ ઓકટોબરે ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યા બાદ તેઓ સાડા બાર વર્ષ સુધી આ પદ પર રહ્યા અને તે પછી તેઓ છેલ્લા ૭ વર્ષથી દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન છે ૭૧ વર્ષના મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે. તેઓ ૪૬૦૭ દિવસ સુધી CM પદ પર રહ્યાં તો દેશના ૧૪માં વડાપ્રધાન તરીકે ૨૬૯૨ દિવસથી બિરાજમા છે.નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સતત ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બની અને તેઓ સતત મુખ્યમંત્રીની ખુરશી પર રહ્યા. આ દરમિયાન, તેમના ઘણા નિર્ણયો અને દોષરહિત શૈલીએ એક અલગ છાપ છોડી, જેના કારણે મોદીને દિલ્હી સુધી પસંદ કરવા લાગ્યા. તેમની લોકપ્રિયતાને કારણે ૨૦૧૩માં પીએમ મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવી અને નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ વખત મુખ્યમંત્રીની ખુરશી પરથી રાજીનામું આપ્યું અને વડાપ્રધાનપદ સંભાળ્યું. આ પછી વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં, તેમણે પાછલી વખતની સરખામણીમાં વધુ બેઠકો સાથે ફરી સંપૂર્ણ બહુમતી લાવીને વડાપ્રધાન પદના શપથ લીધા. છેલ્લા ૭ વર્ષથી નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે.
પીએમ મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ ભાજપમાં રાષ્ટ્રીય સચિવ અને મહામંત્રી પદ પણ સંભાળી ચૂકયા છે.


comments powered by Disqus