લગ્નેતર સંબંધનો કરુણ અંજામઃ પ્રેમિકાની હત્યા કરી પુત્રને તરછોડ્યો

Wednesday 13th October 2021 15:04 EDT
 
 

વડોદરા: પરિવાર કે પ્રેમિકા? લગ્નેત્તર સંબંધો કે પછી પતિ, પત્ની ઔર વોહ જેવા સંબંધો જાળવી રાખવામાં જઘન્ય ગુનાની વધુ એક ઘટના બની છે. ગાંધીનગર પાસે પેથાપુરમાં સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે દશ માસના માસૂમ સ્મિત (નામ બદલ્યું છે) ને તરછોડી દેવાની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
સ્મિતને તરછોડી ગયેલા આરોપી પિતા સચિન દિક્ષીતે તેની પ્રેમિકા તેમજ સ્મિતની માતા મહેંદીની ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબુલાત કરી છે. ગાંધીનગરનો સચિન અને મુળ જૂનાગઢની મહેંદી ઉર્ફે હિના બે વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા. મહેંદી સામાજીક દરજ્જો મેળવવા આતૂર હતી અને સમાધાનો કરતી છતાં સચીન સાથે તકરાર થતી રહેતી હતી.
સોમવારથી શુક્રવાર પ્રેમિકા મહેંદી સાથે તેમજ શનિવાર અને રવિવાર પરિવાર સાથે પસાર કરવાનો સચિનનો સિલસિલો બે વર્ષથી ચાલતો હતો. પણ, શનિવારથી દસ દિવસ પરિવાર સાથે વતન જવાના મુદ્દે સચિન અને મહેંદી વચ્ચે શુક્રવારે સાંજે ઝઘડો ઉગ્ર બન્યો હતો. લિવ-ઈન સંબંધોની મર્યાદા તૂટતાં સચિન - મહેંદી વચ્ચે ઝપાઝપી થઈ હતી. સચિને આક્રોશ પૂર્વક મહેંદીનું ગળું ઘોંટી નાંખ્યું હતું.
મહેંદીની લાશને નિકાલ કરવા કોથળામાં બાંધી હતી. પણ, પરિવાર સાથે વતન જવાનું હોવાથી લાશને વડોદરાના ફ્લેટના બાથરૂમમાં જ મુકી સચીન તેના પુત્ર સ્મિતને ગાંધીનગરમાં પેથાપુર સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા બહાર મુકી નીકળી ગયો હતો. માસૂમ સ્મિતે માતાની છત્રછાયા ગુમાવી છે અને તેના પિતાને હવે જેલની હવા ખાવી પડશે.
વર્ષ ૨૦૧૮માં સચિન અને મહેંદી વચ્ચે દોસ્તી પછી પ્રેમસંબંધ
ગાંધીનગર સેક્ટર-૨૬માં રહેતો સચીન દિક્ષીત વર્ષ ૨૦૧૮માં સેનેટરી વેર્સના શો રૂમમાં ખરીદી કરવા ગયો ત્યારે નોકરી કરતી મહેંદી પેથાણી સાથે મુલાકાત થઇ હતી. બન્ને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તો સચીન પરણિત હોવા ઉપરાંત, એક બાળકનો પિતા હોવાના વાતની જાણ મહેંદીને હતી. જો કે તે તેની પત્ની આરાધનાને છુટાછેડા આપી દેશે તેમ કહેતા બંનેનો સંબધ આગળ વધ્યો હતો.
સચિન સામે ગાંધીનગરમાં અને વડોદરામાં ગુનો નોંધાયો
સ્મિતને તરછોડવાના કેસમાં તેની માતા મહેંદીની હત્યા થયાનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ બાબતે વડોદરા પોલીસને જાણ કરી હતી. બાદમાં વડોદરા સ્થિત ફ્લેટમાં તપાસ કરતા મહેંદીનો મૃતદેહ બેગમાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સચીન સામે પેથાપુરમાં બાળકને તરછોડવાનો અને વડોદરામાં હત્યાનો ગુનો નોંધ્યો છે.


comments powered by Disqus