વિજાપુરઃ શહેરમાં છેલ્લા ૧૪૧ વર્ષથી ઉજવાતી કાશીપુરા અને વહેરાવાસણ મહોલ્લામાં નવરાત્રીની માંડવીની શરુઆત ઈ.સ.૧૮૮૦માં કરવામાં આવી હતી. અહીં એક સદીથી બંને દેવીઓ એક બીજાને પાલખીયાત્રા રૂપે મળે છે એવી અનોખી પરંપરા છે.
વહેરાવાસણ લત્તામાંથી પાલખીયાત્રામાં માં બહુચર નવરાત્રિની છઠ્ઠના દિવસે કાશીપુરામાં દેવી અંબાને મળવા જાય છે. જ્યારે સાતમના દિવસે કાશીપુરામાંથી દેવી માં અંબા વહેરાવાસણમાં મા બહુચરને મળવા આવે છે.
આ બંને દિવસે બંને મહોલ્લાના બ્રાહ્મણો પિતાંબરમાં સજ્જ થઈને માતાજીને પાલખીમાં બેસાડીને નગરમાં પાલખીયાત્રા કરે છે. આ દરમિયાન નગરના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. રસ્તામાં પાલખી યાત્રા નીકળે ત્યારથી લઈને એ યાત્રા પરત ફરે ત્યાં સુધી રસ્તા પર ગરબાની રમઝટ જોવા મળતી હોય છે.
માત્ર પ્રાચિન ગરબા જ ગવાય છે
ગુજરાત સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં પોતાની પ્રાચિનતા માટે જાણિતી કાશીપુરા અને વહેરાવાસણની માંડવીમાં માત્ર પ્રાચિન ગરબાઓ જ ગવાય છે. નવાઈની વાત છે કે આ પ્રાચિન ગરબાઓ કોઈ વૃદ્ધ અનુભવી નહીં પણ યુવાનો દ્વારા ગાવામાં આવે છે. આવા પ્રાચિન ગરબાઓની ધૂન પર આજની આધુનિક યુવતીઓ અને યુવાનો હોંશે હોંશે ગરબા ગાય છે.