અમદાવાદ: અમદાવાદ એરપોર્ટમાં ૩ મહિના અગાઉ મુસાફરોને મદદ મળી રહે તે માટે ટર્મિનલની અંદર ખાસ રોબોટ મુકાયા હતા પરંતુ એરપોર્ટમાં આવતા મુસાફરોએ તેને મજાકનું સાધન બનાવી દેતાં આ રોબોટને ત્રણ મહિનામાં જ ના છૂટકે અભેરાઈએ ચઢાવી દેવા પડ્યા છે.
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે કોઈ મુસાફર અટવાય તો ‘મિત્ર રોબોટ’ની સેવાનો પ્રારંભ કરાયો હતો. આ રોબોટ ટર્મિનલમાં આવનજાવન કરતાં મુસાફરો વચ્ચે રહે અને જો કોઈ મુસાફરને કંઈ એરલાઈન્સનું કાઉન્ટર ક્યાં છે તેમજ ટોઈલેટ ક્યાં છે તે તમામ માહિતી સાથે જગ્યા પર રૂબરૂ લઈ જઈને રોબોટ મુસાફરને બતાવે એ તેના પાછળનો હેતુ હતો. જોકે, અમદાવાદ એરપોર્ટમાં અવરજવર કરતાં અનેક મુસાફરોએ આ રોબોટને મજાક અને ફ્લાઈટ આવે નહીં ત્યાં સુધી ટાઈમપાસ કરવાનું સાધન બનાવી દીધું હતું. અનેક મુસાફરો સુસંગત ન હોય તેવા સવાલો કરે છે. જેમ કે, અમદાવાદમાં પાણીપુરી ક્યાં સારી મળે?, અમદાવાદમાં ક્યાંની મીઠાઈ વધુ સારી આવે છે, ‘કોરોના ક્યારે જશે?’ સલમાન ખાન લગ્ન ક્યારે કરશે. પૂછીને રોબોટને પરેશાન કરતા હતા. આ સવાલ સામે રોબોટ સ્વાભાવિક રીતે એક ઉત્તર આપતો ‘સોરી’. રોબોટની સિસ્ટમમાં આ પ્રકારના વિચિત્ર સવાલનો મારો જોઈને હાલ પૂરતી આ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.