આણંદ: ધી ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ અમૂલ ઓલમ્પિક ગેમ્સ માટે ભારતીય ટીમનું સત્તાવાર પ્રયોજક બન્યું છે. અગાઉ વર્ષ ૨૦૧૨માં લંડનમાં યોજાયેલ ઓલમ્પિક ગેમ્સમાં અને વર્ષ ૨૦૧૬માં રિયો ઓલમ્પિક ગેમ્સમાં પણ ભારતીય ટીમને અમૂલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ જેવી અનેક રમતો માટે અમૂલ એક ઉત્સુક સમર્થક બની રહ્યું છે.
જાપાનના ટોકિયોમાં યોજાનારા ઓલમ્પિક ગેમ્સમાં ભારતીય ટીમનું સ્પોન્સર અમૂલ બન્યું છે. આમ સતત ત્રીજી વખત ઓલોમ્પિક ગેમ્સમાં ભારતીય ટીમને અમૂલ દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહી છે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.આર.એસ.સોઢીએ જણાવ્યું કે ‘ભારતમાં ઓલિમ્પિક ચળવળને મજબૂત બનાવવા અને સમગ્ર દેશમાં યુવાઓને ઓલિમ્પિક ગેમ્સ માટે પ્રોત્સાહિત કરવા માટે અમૂલ પ્રતિબધ્ધ છે.
ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટીમને સ્પોન્સર કરતાં અમૂલ પરિવાર ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યું છે. દૂધ એ એથ્લેટ્સની માનસિક અને ફિઝિકલ તાકાત માટે અગત્યની ભૂમિકા ભજવે છે. અમને વિશ્વાસ છે કે ભારતીય ટીમ ઓલિમ્પિક ગેમ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરશે.
અમૂલે કેનેડામાં ટ્રેડમાર્ક ઉલ્લંઘન અંગેનો કાનૂની જંગ જીત્યો
ભારતની સૌથી મોટી કો-ઓપરેટીવ ડેરી બ્રાન્ડ અમૂલે કેનેડામાં ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ જીત્યો છે. કેનેડાના ઈન્ટરેકચ્યુઅલ પ્રોપર્ટી અપીલેટ બોર્ડે અમૂલ બ્રાંડના ટ્રેડમાર્ક સ્ટેટસને સ્વીકૃતિ આપી છે. સાથે નુકસાનના વળતર રૂપે અમૂલને ભારતીય રૂપિયામાં ૧૯.૫૯ લાખનું વળતર ચૂકવવા મંજૂરી આપવામાં આવી છે.
અમૂલે કેનેડાની ફેડરલ કોર્ટમાં ટ્રેડ માર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. ભારત બહાર કોઈ કંપની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલો આ પહેલો કેસ હતો. અમૂલ કેનેડા અને અન્ય ૪ લોકો-મોહિત રાના, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ વિરૂદ્ધ આ કેસ કરાયો હતો. જાન્યુઆરી ૨૦૨૦માં અમૂલને જાણ થઈ કે અમૂલ કેનેડા ગ્રુપે અમૂલ ટ્રેડમાર્ક અને તેના લોગો અમૂલ-ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાને કોપી કર્યો છે. સાથે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક ફેક પ્રોફાઈલ પણ બનાવવામાં આવી હતી. અમૂલ કેનેડાના આ પેજ પર જોબ અને ફોલોનું આઈકન પણ હતુ. જે ૪ વ્યક્તિના નામ આરોપી તરીકે હતા તે અમૂલ કેનેડાના કર્મચારીઓ તરીકે લિસ્ટેડ હતા.
કેસ ચાલી જતાં કેનેડાની ફેડરલ કોર્ટે માન્યુ કે આરોપીઓએ અમૂલના કોપીરાઈટનો ભંગ કર્યો છે. કોર્ટે તેમને કાયમી ધોરણે અમૂલ અને અમૂલ-ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા લોગોનો ટ્રેડમાર્ક અને કોપીરાઈટનો ભંગ કરતાં રોકવા આદેશ જારી કર્યો હતો.