ભુજ: મોટા ગ્રીન પ્રોજેક્ટના કરારોના લીધે ગુજરાત ઝડપથી વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રનું હબ બની રહ્યું છે. માત્ર પવન અને સૂર્ય ઊર્જાથી વીજ ઉત્પાદન જ નહીં પણ તેના સંબંધી સાધનોમાં ઉત્પાદનમાં અગ્રણી બની રહ્યું છે.
સરકારની નીતિવિષયક પહેલ અને રોકાણકારોમાં મજબૂત પ્રતિભાવથી રાજ્યમાં ૨૦૨૫ સુધીમાં વૈકલ્પિક ઊર્જાથી ૩૮,૪૬૬ મેગાવોટનું અને ૨૦૩૦ સુધીમાં ૬૧,૪૬૬ મેગાવોટનું વીજળી ઉત્પાદન થતું હશે એવી સરકારને ધારણા છે. આમાં કચ્છએ અગ્રણી કેન્દ્ર હશે. કારણ કે ખાવડાથી ૯૦ કિં.મી દૂરના વિસ્તારમાં ભારત-પાકિસ્તાન સરહદે ૭૨,૬૦૦ હેક્ટર વિસ્તારમાં એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે અને તેમાં દોઢ લાખ કરોડનું રોકાણ આવે તેવો અંદાજ છે.
ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માએ જણાવ્યા મુજબ હાલમાં રાજ્યની સ્થાપિત ક્ષમતા મુજબ સૂર્ય, પવન, હાઇડલ, બાયોમાસ અને બાયોગેસ મારફત ૧૩,૧૫૨ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જે ૨૦૨૫ સુધીમાં ૩૮,૦૦૦ મેગાવોટથી વધી જશે. આ અંદાજે ફાઇનલ થઇ ચુકેલા પ્રોજેક્ટ આધારિત છે. નવી દરખાસ્તોથી આ અંદાજ વધી પણ શકે છે.