અમદાવાદ: ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે અમદાવાદ શહેરમાં વાંચનાલય, સિવિક સેન્ટર, વોટર ડ્રીસ્ટીબ્યુશન સેન્ટર , સબ ઝોનલ ઓફિસ ઉપરાંત નવનિર્મિત રેલ્વે સ્ટેશનનુ લોકાપર્ણ અને ઇ -ખાતમુહુર્ત કર્યુ હતું.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ય ગુજરાતમાં વિકાસના કામોની ગતિ ધીમી પડી નથી. કોરોનાના નિયમોના પાલનની જાગૃતતા અને રસી લેવાની તત્પરતા એ કોરોના સામેનુ સુરક્ષા કવચ છે. પર મિલિયન વેકસિનેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. વર્ષ ૨૦૨૪ સુધી ગાંધીનગર સંસદીય મતવિસ્તાર દેશનો સૌથી વિકસીત વિસ્તાર બનાવવા અમિત શાહે નેમ વ્યક્ત કરી હતી. અમદાવાદમાં બોપલ ખાતેથી મહાનગરપાલિકા, ઔડા અને પશ્ચિમ રેલ્વેના વિવિધ વિકાસના કાર્યોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જેટલો વિકાસ થાય એટલો કરીએ એવી માનસિકતા ધરાવતા નથી બલ્કે જેટલો વિકાસ કરીએ એટલો થાય તેવી માનસિકતા વાળા લોકનેતા છે. બોપલ, ઘૂમા અને આંબલી વિસ્તારની આવનારા ૩૦ વર્ષ સુધી વસ્તીવૃદ્ધિનું આકલન કરી પીવાના પાણીની યોજનાઓ હાથ ધરાઇ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રૂા.૨૩ હજાર કરોડનું પેકેજ જાહેર કરી દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્ર્કચરને પ્રોત્સાહિત કર્યુ છે.
કાયદાના માળખામાં ફેરફાર માટે સરકારે પ્રક્રિયા આરંભી
અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે બ્રિટિશ કાળથી લાગુ આઈપીસી અને સીરઆપીસી માળખામાં હવે ફેરફારની જરૂર છે અને જે માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ઉપરાંત છ વર્ષથી વધુની સજાના કેસમાં એફએસએલ તપાસ ફરજીયાત કરવાના કાયદાને પણ સમાન લાગુ કરવામાં આવવો જોઈએ.
કેન્દ્ર સરકારે સીઆરપીસી અને આઈપીસી કલમો તેમજ એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાતો, ધારાશાસ્ત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.
