જામનગરઃ શહેરમાં માધવી એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવતાં મનોજભાઇ શાહ સાથેરૂ. ૧.૩૫ કરોડની ઠગાઇ કરવા અંગે બે નાઇજીરિયન સહિત ત્રણની મુંબઇમાંથી પોલીસે ધરપકડ કરી હતી.
આ છેતરપિંડી અંગે મૂળ નાઇજીરિયાના અનાબ્રા અસાબાના વતની અને હાલ મુંબઇના ડોંબીવલીના નિલજે ગાવમાં રહેતાં ઓનિયે ઝીલીગબો હેપ્રોચીએ ઉર્ફે એન્થીની ઉર્ફે કોઝા તથા તેને મદદ કરનાર નાઈજીરિયાની મહિલા ઓકોનકવો પરપેચ્યુઅલ ઉર્ફે માઇકલ ગીફટ ઉર્ફે સોફિયા કેનેડી તથા મુંબઇના વાયરલેસ એન્ટરપ્રાઇઝવાળા જયેશ રાહીરાસીની ધરપકડ કરવામાં આવી હતી.
મનોજભાઇ શાહના મોબાઇલ ફોન પર ટ્રેસી મરફીનો ફોન આવ્યો હતો. વોટસએપ પર બિઝનેશ કરવા માટે મેસેજ કરવામાં આવ્યા હતાં અને સાયક્લોવીકએચ-૫૦ નામના કેમિકલનો વ્યવવસાય કરવામાં મોટો ફાયદો મળશે તેવી વાતો કરીને મનોજભાઇને ફસાવાયા હતાં. એટલુ જ નહી પણ તેના પ્રતિનિધિ તરીકે સોફિયા કેનેડીને જામનગર મોકલી હતી અને નાસીકની એમ.બી. શર્મા એન્ટરપ્રાઇઝમાંથી સાયકલોવીક એચ-૫૦ નું મટીરીયલ મળશે અને તેના કોન્ટેકટ પર્સન વિના શર્માનો નંબર આપ્યા હતો. ટ્રેસી મરફીએ ડેવીડ હીલેરી ડાયરેકટર એસીનો ફાર્મા સ્યુટીકલ કંપની લંડનનો સંપર્ક કરાવી આપ્યો હતો.
તા. ૩૧-૩ ના રોજ એમ.બી. શર્મા એન્ટરપ્રાઇઝમાંથી આવેલ મટીરીયલનું સેમ્પલ પણ લેવડાવીને વિશ્વાસ જીતી લેવાયો હતો તેમજ બોગસ પરચેઝ ઓર્ડર દ્વારા મનોજ પાસેથી ૧૦૦ લીટર મટીરીયલ ખરીદવાનું જણાવીને વિશ્વાસમાં લીધા હતાં. બાદમાં તેમની પાસેથી રૂ. ૧.૩૫ કરોડ જેવી રકમ પડાવી લઇને માલ નહી આપીને છેતરપિંડી કરવામાં આવી હતી.