અમદાવાદ: જમાલપુર દરવાજા બહારના જગદીશ મંદિરથી દર વર્ષે અષાઢી બીજના દિવસે ભારે દબદબાપૂર્વક નીકળતી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા આજે તેની ભવ્યતા અને ભક્તોના ઘોડાપૂરને બદલે ન તો કોઈ ગજરાજ, ન તો કોઈ અખાડા કે ન તો કોઈ મોટરટ્રક કે મહિલાઓની ભજન મંડળીઓ વિના, કડક કરફ્યૂ બંદોબસ્તને કારણે સૂમસામ માર્ગો પર નીકળતા સાવ ફિક્કી, અને નિરસ લાગતી હતી. હજારો પોલીસના કાફલા વચ્ચે નીકળેલી આ રથયાત્રા પોલીસયાત્રામાં ફેરવાઈ ગઈ હતી. પરિણામે પરિક્રમાના આખાયે રૂટ પર લોકોએ ભક્તિભાવ સાથે દર્શન કરવાને બદલે પતાના ઘરો, બાલ્કનીમાં ઊભા રહીને દૂરથી ભગવાનના દર્શન કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં દર વર્ષે રથયાત્રાનો સમગ્ર રૂટ જય રણછોડ, માખણચોર, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નો જયઘોષથી ગાજી ઊઠતો હતો.
અષાઢી બીજના દિવસે જગદીશ મંદિરથી સવારે ૭ અને ૫ મિનિટે નીકળેલી રથયાત્રા સરસપુર મોસાળ જઈ સવારે ૧૦ અને ૪૭ મિનિટે એટલે કે પોણા ચાર કલાકના ટૂંકા સમયમાં જ નિજ મંદિરે પરત ફરી હતી. દેખીતી રીતે જ રથયાત્રાએ તેના ૧૪૪માં વર્ષના ઇતિહાસમાં આજે જરૂર કરવટ બદલી હતી. પરંતુ રથયાત્રા ટાણે શાસ્ત્રોક્ત વધિ બરકરાર રહી હતી. પરોઢિયે ચાર વાગે મંગળા આરતી ભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ તી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે ભાગ લીધો હતો. રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપિસંહ જાડેજા પણ મહંત દિલીપદાસજી સાથે જોડાયા હતા. મહાઆરતી બાદ ભગવાન જગન્નાથને દોળ-ચોખા-મગ-કોરુ-કાકડી અને સૂકામેવાનો ખીચડો પ્રસાદરૂપે ચઢાવાયો હતો. સામાન્ય રીતે આ ખીચડો દર વર્ષે ત્રણ હજાર કિલો બનાવાય છે. તેને બદલે ૫૦૦ કિલો જ બનાવાયો હતો.
આરતી અને પ્રસાદ અર્પણ બાદ સવારે સાડા છ વાગ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મંદિરે આવી પહોંચતા તેમનું સ્વાગ કરવામાં આવ્યું હતું અને પછી એક રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરતા શરણાઈના સૂરો રેલાયા હતા. ઢોલ ઢબૂક્યા હતા. ભગવાન જગન્નાથની આગળનો માર્ગ મુખ્યપ્રધાન રૂપાણીએ સોનાની સાવરણીથી સાફ કરી પહિંદવિધિ કરી હતી. આ વિધિ પૂર્ણ થતાં મંદિરમાં ભક્તોએ જય રણછોડ માખણચોરના જયઘોષથી સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું. પ્રથમ રથે સવારે ૭ અને ૫ મિનિટે સરસપુર જવા પ્રસ્થાન કર્યું હતું.
કરફ્યૂ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને રેપીડ એક્શન ફોર્સ ચેતક કમાન્ડો, એસઆરપીની કંપનીઓ સહિત ૨૩ હજાર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબ્સત ગોઠવવામાં આવ્યો હતો લોકોની ભીડ એકત્ર ના થાય તે માટે પોલીસ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારને જોડતા તમામ બ્રીજ પર બેરીકેડ ગોઠવી ચેકીંગ પોઇંટ રથયાત્રાના રૂટ પર આવતા મકાનો પર ડ્રોન ઉડાડીને સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. જગન્નાથ મંદિરા કમ્પાઉન્ડમાં ફરતે રેપીડ એક્શન ફોર્સના જવાનોનો કાફલો ગોઠવાયો હતો. બોમ્બ સ્કવોડ, ગોડ સ્કોડ અને ફાયરની ટીમને તહેનાત રખાઈ હતી.
ભગવાન વહેલા પાછા ફર્યા તો બપોર, આખી રાત મંદિરની બહાર વિતાવી
નગરચર્યાથી પાછા ફરેલા રથને જોઈ જમાલપુર મંદિરમાં એકલા રહેલા રૂક્ષ્મણીએ પહેલીવાર બપોરે બારણાં બંધ કરવા પડ્યા હતા. જેને કારણે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને અમદાવાદની બપોરનો બફારો અને સોમવારની આખી રાત મંદિરની બહાર વિતાવવી પડે છે! દર વર્ષે મૂળ મંદિરે પરત ફરતા ત્રણેય રથને બહાર રોકવામાં આવે છે. નગરચર્યામાં પોતાને લીધા વગર જ ભગવાન ગયા હોવાથી તેમના પત્ની રૂક્ષ્મણી રિસાયેલા હોય છે. તેઓ મંદિરના બારણા ખોલતા નથી. સવારે ભગવાન જગન્નાથ રૂક્ષ્મણીને શ્રાવણમાં હિંડોળા ઉત્સવનું વચન આપીને મનાવી લે છે. ભગવાન અને ભાઈ બહેનની નજર ઉતારવામાં આવે છે. આમ રાતના ૯-૧૦ કલાક બહાર રહેલા ભગવાનને આ વખતે ૧૯ કલાક મંદિરની બહાર રહેવું પડ્યું છે.
મોસાળમાં પણ માંડ ૧૦ મિનિટ રોકાયા
દરવર્ષે મોસાળમાં દોઢથી બે કલાક રોકાતી રથયાત્રા મહામારીના કારણે આ વર્ષે મોસાળ સરસપુર ખાતે માત્ર ૧૦ મિનિટ રોકાઈ હતી. દરવર્ષે ૧૦ હજાર જેટલા ભક્તો સાથે રથયાત્રા ૧૨.૩૦ વાગ્યે આવે અને ૨.૩૦ વાગ્યે રવાના થાય છે. મોસાળમાં દોઢથી બે લાખ ભક્તો માટે ૧૨ થી ૧૩ જેટલા રસોડા ધમધમે છે. જેમાં પુરી શાક, બુંદી, ફુલવડી, સહિતની વાનગીઓ પીરસવામાં આવે છે. આ વર્ષે પોલીસની હાજરી અને ભક્તોની ગેરહાજરીમાં રથયાત્રા માત્ર ૧૦ મિનિટ રોકાઈ હતી. રસોડા પણ બંધ રાખવામાં આવ્યા હતા.
ગુજરાત કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના કરી છેઃ મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સતત પાંચમી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદવિધિ કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં સહભાગી થયા હતા.
મુખ્યપ્રધાને જણાવ્યું કે,'આ વર્ષે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઇ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત કોરોના મહામારીમાંથી મુક્ત થનારૂં પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે. રાજ્યમાં સમગ્ર સ્થિતિ પૂર્વવત્ બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે.' નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, 'રથયાત્રાનું પર્વ અમદાવાદ ઉપરાંત સમગ્ર દેશ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ રથયાત્રા ભાઇચારા અને એકતાનું પ્રતિક પુરવાર થઇ છે.'