ભાવનગર: ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂ. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું.
આ વેળાએ કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ જણાવ્યું કે, કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આથી કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલાં દેશની ૨૨૦૦ હોસ્પિટલોમાં સી.એસ.આર.ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યાં છે.
દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકાગાળામાં ચાલું કરી દેવામાં આવ્યો છે. કોરોનાના ત્રીજા વેવમાં બાળકોને વધુ અસર થઇ શકે છે. હોસ્પિટલોમાં અત્યારથી જ ૨૦ ટકા બેડ બાળકોની સુવિધા આપી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે.