• હવે ગુજરાતમાં આઠ મહાનગરમાં જ રાત્રિ કરફ્યૂઃ ગુજરાતમાં કોરોનાના ગતિ દિનપ્રતિદીન મંદ પડી રહી છે ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ વધુ શહેરોને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપી છે જયારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રી કરફયુ યથાવત રાખ્યો છે. આ નવા નિયમોનો ૧૦ મી જુલાઇથી અમલ થઈ રહ્યા છે. રાજ્ય સરકારે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ, વાપીને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપી છે. હવે માત્ર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. સરકારે કોચિંગ કલાસ અને ટયુશન કલાસિસોને ૫૦ ટકા વિદ્યાર્થીઓની બેચ સાથે શરૂ કરવા છૂટ આપી છે. કોરોનાના કેસો ઘટતા સરકારે લગ્નપ્રસંગમાં ૧૫૦ જણાંની છૂટ આપવામાં આવી છે. ટૂંકમાં લગ્નપ્રસંગમાં ૫૦ જણાંની વધુ છૂટ અપાઇ છે. જોકે, અંતિમક્રિયા-દફનવિધીમાં ૪૦ વ્યક્તિઓની છૂટ યથાવત રખાઇ છે. જીમ, રેસ્ટોરન્ટ-હોટલો, હોલ, ઓડીટોરિયમ, વાંચનાલયો સહિતના મનોરંજક સ્થળોએ અપાયેલી છૂટછાટના નિયમોમાં કોઇ બદલાવ કરાયો નથી. પ્રેક્ષકો વિના સ્પોર્ટસ કોમપ્લેક્સ, સ્પોર્ટસ સ્ટેડિયમ-સંકુલ ચાલુ રહેશે. બજારો રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તા. ૨૦ જુલાઇ સુધી આ નિયમો સાથે નિયંત્રણો લદાયેલા રહેશે.
• કોરોનાના કારણે રાજ્યમાં ૭૭૬ બાળક નિરાધાર બન્યાંઃ રાજ્ય સરકાર બાળ સેવા યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. માતા-પિતાનું અવસાન થતા નિરાધાર બનેલા રાજ્યભરના ૭૭૬ બાળકને દર મહિને રૂ. ૪ હજારની સહાય પેટે રૂ. ૩૧.૦૪ લાખ સીધા બાળ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આ યોજના હેઠળ જીરોથી ૧૮ વર્ષના બાળકો માતા-પિતા બંનેનું કોરોના કાળમાં દરમિયાન અવસાન થયું હતું. તેમની આવક મર્યાદાને ધ્યાને લીધા વિના રકમ ચુકવવામાં આવી છે. રાજ્યમાં ૧૮ માર્ચ,૨૦૨૦ એટલે કે, કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં અનાથ થયેલા બાળકોનો આ યોજનામાં સમાવેશ કર્યો છે.
• ૧૫ જૂલાઈથી ધો.૧૨ની શાળા અને કોલેજ ૫૦ ટકા ક્ષમતા સાથે ખૂલશે:ગુજરાત સરકારે ૧૫ જુલાઇથી ધોરણ-૧૨ના તથા કોલેજોના વર્ગો નિયમિત ધોરણે શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગખંડની કુલ ક્ષમતાના પચાસ ટકા જેટલી જ રાખવાની રહેશે, તેમજ વિવિધ બે બેચમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે બોલાવવાના રહેશે. અલબત્ત સરકારે તેમ પણ જાહેર કર્યું છે કે આ વર્ગો શરૂ કરતાં પહેલાં વાલીઓની સંમતિ જરૂરી રહેશે અને તેઓ સંમત હોય તો જ પોતાના પાલ્યને શાળામાં કે કોલેજમાં અભ્યાસ માટે મોકલી શકશે. અન્યથા તે ફરજિયાત રહેશે નહીં અને વિદ્યાર્થીઓનું અધ્યયન કાર્ય ઓનલાઇન સુવિધા મારફતે કરાવી શકાશે.
• કોરોનામાં મા-બાપ ગુમાવનારા બાળકોને ૨૧ વર્ષની વય સુધી માસિક રૂ. ૪,૦૦૦ની સહાયઃ કોરોનાના કહેરમાં માતા અને પિતા બંનેનું છત્ર ગુમાવીને અનાથ થઈ ગયેલા ગુજરાતના બાળકોને ૨૧ વર્ષની વય સુધીના માસિક રૂા. ૪,૦૦૦ની સહાય આપવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. અગાઉ તેઓ ૧૮ વર્ષના થાય ત્યાં સુધી તેમને આ આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ વય મર્યાદામાં ૩ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
• ભૂપેન્દ્ર યાદવ પ્રધાન બનતા ભાજપના નવા પ્રદેશ પ્રભારી કોણ બનશે?ઃ એકબાજુ, કોરોનાના કારણે રાજીવ સાતવનું નિધન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી પડ્યું છે તો બીજી બાજુ ભૂપેન્દ્ર યાદવને પણ મોદીના પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે જેના કારણે હવે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારીની જગ્યા ખાલી પડી છે. હાલ તો નવા ભાજપ પ્રદેશ પ્રભારીપદે કોણ આવશે તે અંગે ભાજપના વર્તુળોમાં ચર્ચા જામી છે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. થોડાક દિવસો પહેલાં જ તેઓ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. હવે જ્યારે ભૂપેન્દ્ર યાદવને પણ વડા પ્રધાન મોદીએ કેન્દ્રિય પ્રધાનપદ આપ્યું છે ત્યારે ચર્ચા એવી છે કે નવા પ્રદેશ પ્રભારીને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવશે. કેન્દ્રિય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ પ્રકાશ જાવડેકરનું સંગઠનમાં કમબેક થઈ શકે છે. જાવડેકર મિડીયા પ્રભારી તરીકે ઘણીવાર ગુજરાત આવી ચૂક્યા છે. સંગઠનથી પણ વાકેફ છે.
• સાયન્સ સિટી ખાતે રૂ. ૨૬૦ કરોડના ખર્ચે એકવાટિક ગેલેરી તૈયાર: સાયન્સ સિટીમાં રૂ. ૨૬૦ કરોડ બનેલા થીમ બેઝ્ડ એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કને ૧૬ જુલાઇએ ખુલ્લુ મૂકશે. એક્વેટિક ગેલેરીમાં શાર્ક સહિત ૧૮૮ દરિયાઇ પ્રજાતિ હશે. અને તેમાં ૨૮ મીટરની વોક-વે ટનલ તૈયાર કરાઇ છે. આ ટનલમાંથી દરિયાઇ સૃષ્ટિ જોઇ શકાશે.