નવસારી: નવસારી જિલ્લાનાં સાત ગામોમાં બોગસ ખેડૂત ખાતેદાર બનીને રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવનાર સુરતનાં રાજસ્થાની પરિવારનાં ૧૧ સભ્યો સામે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સગાભાઈના સાસુની સુરતમાં વેસુગામની જમીન પચાવી પાડતા આ મામલો બહાર આવ્યો છે. ૧૯૯૮માં મામલતદારનાં ખોટા સિક્કા બનાવી બનાવટી સહી કરી ખેડૂત ખાતેદાર હોવાનું બોગસ પ્રમાણપત્ર આધારે આરોપીઓએ સુરત અને નવસારી જિલ્લામાં રૂ. ૫૦૦ કરોડની જમીનો ખરીદી હોવાની ફરિયાદ થઇ છે.
વિમલ પોદ્દારે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો સગો ભાઈ બાલકિશન પોદાર અને તેમનો પુત્ર સંજયે ફરિયાદીની સાસુ સુમિત્રાબેનની સુરતના વેસુ સ્થિત કિંમતી જમીનનાં પોતે પાવર ધરાવતા હોવાનું જણાવી રજીસ્ટ્રારમાં નામે કરી પચાવી પાડી હતી.
હકીકતમાં વિમલ પોદ્દારને સુમિત્રાબેનએ પાવર ઓફ એટર્ની આપ્યા હતા. જે અંગે ફરિયાદ છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે. જેમાં હાલ ફરિયાદીની તરફેણમાં સ્ટે ઓર્ડર હયાત છે. જમીન પચાવી પાડનાર ભાઈ અને ભત્રીજાને પાઠ ભણાવવા ફરિયાદીએ તેમના જુના કૌભાંડો બહાર કાઢ્યા હતા. જેમાં આરોપીએ પોતાના પરિવાર, વેવાઈ, જમાઈના નામે અંદાજીત રૂ. ૫૦૦ કરોડની જમીનો સુરત અને નવસારી જિલ્લામાં ખરીદી હતી. જેમાં પોતે ખેડૂત નહી હોવા છતાં બોગસ ખેડૂતનું પ્રમાણપત્ર રજુ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં જલાલપોર તાલુકાનાં ડાભેલ સીમલક, વેડછા, મંદિર, મટવાડ, હોથમડી, આટ અને હાંસાપોર ગામની ખેતીની સેંકડો વિઘા જમીનોની ખરીદી કરી હતી. જેને નામે ચઢાવવા માટે ખેડૂત હોવાનું બોગસ પ્રમાણપત્ર રજુ કરી છેતરપિંડી કરી હતી.પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.