આણંદના જાગનાથ મંદિરના એક ટ્રસ્ટી અને બે મહંતોએ કરી રૂ. ૪૦ લાખની ઉચાપત

Tuesday 14th December 2021 12:06 EST
 

આણંદ : શહેરના જાગનાથ મંદિરના એક ટ્રસ્ટી તેમજ બે મહંતોએ અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી અંદાજે રૂા.૪૦ લાખની રકમ ઉપાડી લઈ માલિક ન હોવા છતાં ટ્રસ્ટની મિલકતનું વીલ કરી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના બનાવ અંગે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.
આણંદ શહેરની બોરસદ ચોકડીથી ખેતીવાડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ જાગનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે રવિન્દ્રકુમાર મણીભાઈ પટેલ સેવાઓ આપે છે. જાગનાથ મહાદેવ મંદિરમાં દત્તાત્રેય મંદિર, હનુમાનજી મંદિર તથા ગુરૂકુળ આવેલું છે. જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે વાડી, હોલ અને બહારના ભાગે દુકાનો પણ આવેલ છે. જાગનાથ મહાદેવ ટ્રસ્ટનું યુકો બેંકમાં એકાઉન્ટ આવેલ છે. જેમાં મુખ્ય ટ્રસ્ટી તથા અન્ય એક ટ્રસ્ટીની સહીથી મંદિરના કામકાજ માટે નાણાં ઉપાડવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
મંદિરનો વહીવટ ટ્રસ્ટી રમણભાઈ પરસોત્તમભાઈ પટેલ, મહંત રમેશપુરી ગુરૂ દુર્ગાપુરી કરતા હોઈ તેઓએ અન્ય ટ્રસ્ટીઓને જાણ કર્યા વિના બેંકમાં મુકેલ નાણાં પૈકી અલગ-અલગ તારીખે અલગ-અલગ નામે અલગ-અલગ રકમ મળી અંદાજે કુલ્લે રૂા.૪૦ લાખ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી. મહંત સુભણગીરી રમેશપુરીએ ટ્રસ્ટની ઠરાવ બુકમાં પોતાની મરજીથી પોતે મહાદેવ મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હોવાનું અસલ ઠરાવબુકમાં લખી સુધારો-વધારો કરી દીધો હતો. ઉપરાંત મહંત રમેશપુરીએ ટ્રસ્ટની મિલકતના માલિક ન હોવાનું જાણવા છતાં ખોટુ વ્હીલ કરીને રમેશપુરીના નામે તમામ મિલકતો કરી દીધી હતી. આ અંગે ટ્રસ્ટના અન્ય હોદ્દેદારોને જાણ થતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને રવિન્દ્રકુમાર મણીભાઈ પટેલે રમણભાઈ પરસોત્તમભાઈ પટેલ, મહંત રમેશપુરી ગુરૂ દુર્ગાપુરી અને મહંત શુભમપુરી રમેશપુરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus