અમદાવાદ-ઊંઝા: ઊંઝાનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન નિધન થયું હતું. હોસ્પિટલના સીઈઓ ડો. વી. એન. શાહે જણાવ્યું હતું કે, આશાબેન પટેલને ગંભીર હાલતમાં દાખલ કરાયાં હતાં. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર કારગર ના નિવડતા તેમનું નિધન થયું હતું.
નિધનના સમાચારથી તેમના નિવાસસ્થાને સમર્થકો ઊમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, પાટીદાર સમાજના આગેવાનોએ પણ પહોંચી જઈ તેમને પુષ્પાંજલિ અર્પી હતી.
ડૉ.આશાબહેન ૨૦૧૫માં પાટીદાર આંદોલન સમયે ઉત્તર ગુજરાતનાં મહિલા આગેવાન તરીકે લાઇમલાઇટમાં આવ્યાં અને ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પુન: ટિકિટ આપી, જેમાં ભાજપના નારણ પટેલ સામે ૧૯,૫૨૯ મતે જીત્યાં હતાં. જોકે કોંગ્રેસમાં આંતરિક મતભેદને કારણે તેઓ ભાજપમાં જોડાયાં હતાં અને પેટા ચૂંટણી જીતી ફરી ધારાસભ્ય બન્યાં હતાં.
ઊંઝા સીટ પર પેટા કે સામાન્ય ચૂંટણી
વહેલી તેવી ચર્ચા શરૂ
કાયદા પ્રમાણે કોઈ પણ બેઠક છ મહિના કે તેથી વધુ સમય ખાલી રાખી શકાય નહીં. આ સંજોગોમાં ઊંઝા બેઠક પર છ મહિનાની અંદર પેટા ચૂંટણી કરાવવી પડે. જોકે ભાજપના જ વર્તુળોમાં ચર્ચા ચાલી છે કે, પેટાચૂંટણી કરાવવાને બદલે ઝડપથી વિધાનસભાની ચૂંટણી આવી શકે છે.
શૈક્ષણિક ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન યાદગાર: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડો. આશાબહેન પટેલના નિધનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેમની સાથે સંસદભવનમાં મુલાકાત થઈ હતી. સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે તેમનું યોગદાન યાદ રહેશે. તેમના નિધન અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
વિધાનસભામાં હવે બે બેઠકો ખાલી પડી
આશા પટેલના અવસાન બાદ હાલ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે અને હવે કુલ ૧૮૦ ધારાસભ્ય છે. અગાઉ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરેલા પબુભા માણેકને કારણે દ્વારકા બેઠક ખાલી પડી છે અને તે બેઠકની ચૂંટણી હાલ કોર્ટ કેસ પેન્ડિંગ હોવાથી થઈ નથી. આ સિવાય ૨૦૧૭ની ચૂંટણી બાદ બનેલી ૧૪ મી વિધાનસભાની ચાલુ ટર્મ દરમિયાન મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થયું હતું, પરંતુ ત્યાં પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે. આ ટર્મ દરમિયાન જ ૨૦ ધારાસભ્યે રાજીનામું આપ્યાં બાદ ત્યાં પણ પેટાચૂંટણીઓ યોજાઈ ગઈ હતી. આમ હવે દ્વારકા અને ઊંઝા વિધાનસભા બેઠક ખાલી પડી છે.

