ભુજઃ કચ્છ પંથકમાં ઊંટનો ઉપયોગ વર્ષોથી સીમા સુરક્ષા દળ, માલવહન અને વિચરણ સહિતના ક્ષેત્રમાં થતો આવ્યો છે. જેની સાથે સાથે ૨૦૧૭થી ઊંટડીના દૂધના વેચાણમાં આવેલી ક્રાંતિ બાદ હવે તેનો વ્યાપ વધી રહ્યો છે. નોંધનીય છે કે એપ્રિલ, ૨૦૧૮માં GCMMFએ દૂધની ખરીદી, પ્રક્રિયા અને માર્કેટિંગ માટે કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યુનિયન લિમિટેડ અથવા સરહદ ડેરી, સહજીવન ટ્રસ્ટ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે MoU કર્યા હતા.
સરહદ ડેરી દ્વારા ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્લાન્ટ શરૂ કરાયો છે. કેમલ મિલ્ક પ્લાન્ટ માટે સરહદ ડેરી દ્વારા કચ્છના રાપર-ભુજ અને નખત્રાણા તાલુકામાંથી ઉંટડીનું દૂધ સંપાદન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ૩૫૦૦ લીટર કેમલ મિલ્ક એકઠું કરવામાં આવે છે. દૂધ ઉત્પાદકોને આ માટે માસિક ૬૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. અમૂલે ઊંટના દૂધમાંથી ચોકલેટ, આઈસક્રીમ અને મિલ્ક પાઉડર પણ લોન્ચ કર્યા છે.
એક ઊંટડીમાંથી મળે છે ૭થી ૮ લીટર દૂધ
જિલ્લામાં હાલ ૩ હજાર લીટર જેટલું ઊંટડીનું દૂધ દૈનિક સરહદ ડેરીમાં જમા કરાવવામાં આવે છે. જેનો પ્રતિ લીટર ભાવ રૂ. ૫૦થી વધુ મળે છે. એક ઊંટડીમાંથી સવાર-સાંજ ૭થી ૮ લીટર દૂધ મળે છે. જેના દ્વારા માલધારીને દૂધમાંથી રૂ. ૩૦૦થી રૂ. ૪૦૦ની આવક મળી રહે છે.
ખનિજોથી ભરપૂર છે કેમલ મિલ્ક
ઊંટના દૂધમાં ભરપૂર ખનિજો આવેલા છે, જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથેસાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ સહાયક બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માગ વધતી જાય છે.

