ગુજરાતમાં કોરોનાથી મૃત્યુમાં ૧૦,૦૦૦નો આંકડો ઉમેરાતા દેશનો મૃત્યદર ૨ ટકા વધ્યો!

Tuesday 14th December 2021 14:18 EST
 
 

ગાંધીનગર: કોવિડ-૧૯થી મૃત્યુના કિસ્સામાં સ્વજન ગુમવનારા પરિવારોને ચૂકવેલા વળતરના આંકડા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરીને ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાથી થયેલા વધુ ૧૦ હજાર મૃત્યુનો સત્તાવાર સ્વિકાર કર્યો છે. જેના કારણે ભારતમાં કોવિડ-૧૯થી થયેલા મૃત્યુદરમાં આપોઆપ બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
ગુજરાત સરકાર સત્તાવારપણે કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં માત્ર ૧૦,૦૯૮ નાગરીકોના જ મૃત્યુ થયાનું જાહેર કરે છે. પરંતુ, કોરોનાથી મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૫૦ હજારના વળતરની ચૂકવણી સંદર્ભે સરકારે સુપ્રિમ કોર્ટમાં એક સોંગદનામું રજૂ કરીને અત્યાર સુધીમાં કુલ ૧૯,૯૬૪ કેસમાં આશ્રિતોને વળતર ચૂકવ્યાનું જાહેર કર્યુ હતુ. સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલા સોંગદનામા મુજબ કોરોનાથી મૃત્યુ સામે વળતર મેળવવા ૩૪,૬૭૮ જેટલી અરજી મળ્યાનું સરકારે જણાવ્યુ છે.
કોરોનાથી મૃત્યુ સંદર્ભે અગાઉ નક્કી કરેલા પુરાવાને આધારે રૂપિયા ૫૦ હજારનું વળતર મંજૂર કરીને વારસદારના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા યથાવત હોવાનું સોંગદનામાં કહેવાયુ છે. અરજી કરવા પોર્ટલ શરૂ થતા પ્રક્રિયામાં ગતિ આવી છે.


comments powered by Disqus