આણંદઃ જિલ્લાના બોરસદ તાલુકાના બોદાલ ગામની પરિણીતાને વિદેશ લઈ જવાની લાલચ આપી લગ્ન કર્યા બાદ ત્રાસ ગુજાર્યો હતો. બોદાલ ગામે રહેતા પરેશાબેનના લગ્ન દોઢ વર્ષ પૂર્વે સંદિપ ચંદુભાઈ પટેલ સાથે થયા હતા. શરૂઆતમાં લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું હતું. દરમ્યાન લગ્નના ખર્ચ પેટે પતિ સહિતના ઘરના સભ્યોએ રૂા.૫ લાખની માંગણી કરતા પરેશાબેને પિયરમાંથી રૂા.૪ લાખ લાવીને આપ્યા હતા. ત્યારબાદ તેણીને અમેરીકા જવા માટે ફાઈલ મુકવાનું જણાવી પતિ તથા સાસુ-સસરા અમેરીકા ચાલ્યા ગયા હતા. જેથી પરિણીતા પોતાના પિયર રહેવા માટે આવી ગઈ હતી.
દરમ્યાન પરિવારના અન્ય સાસરીયાઓની ચઢવણીથી પતિએ પરેશાબેન પાસે દહેજમાં રૂા.૧૨ લાખની માંગણી કરી હતી. જે મામલે કાસોર ખાતે બેઠક મળી હતી. જેમાં ઝઘડો થતાં પરેશાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. જે અંગે પરેશાબેને અમેરિકા ખાતે રહેતા પતિને ફરિયાદ કરતા પોતાની બહેનો કહેશે તેમ કરવું પડશે તેમ જણાવી અમેરિકા આવવું હોય તો રૂા.૧૨ લાખ મોકલવા પડશે તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
