રાજકોટઃ રાજકોટ ગાયત્રીનગર-૫માં રહેતા યુવરાજસિંહ ચુડાસમા નામના ૨૧ વર્ષના યુવાને શોટ ગનથી છાતીમાં ગોળી ધરબી જિંદગી ટુંકાવી દીધી છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસે આવી જોતાં મૃતદેહ પાસે બાર બોરની શોટ ગન પડી હતી. મૃતક યુવરાજસિંહના પિતા SRPમાંથી નિવૃત થયા બાદ બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતા. તેઓ પરિવાર સાથે વાળું કર્યા બાદ સુવા ગયા હતા. ત્યારે પાછળથી યુવરાજસિંહે ટીવીનો અવાજ મોટો કરી ટીવી પાસે રાખેલી પિતાની પરવાનાવાળી શોર્ટ ગન છાતીને રાખી ફાયરિંગ કરી લીધું હતું. પુત્ર યુવરાજસિંહના આપઘાતના કારણ અંગે પરિવારજનો અજાણ હોય પોલીસ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યોહતો. બાદમાં મૃતકનો મોબાઇલ કબજે કર્યો હતો. મોબાઇલની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન એક તરફી પ્રેમમાં હોવાનું જાણવા મળતાં પોલીસની કોલ ડિટેઇલ સહિતની વિગતો મેળવવા પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. એક ના એક પુત્રનાં મોતની પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
