અમદાવાદઃ શહેરના સોલા ખાતે આવેલા ઉમિયા કેમ્પસમાં નિર્માણ થનારા મા ઉમિયા માતાજીના ત્રિ-દીવસીય મંદિર શિલાન્યાસ મહોત્સવ શિલાપૂજન સાથે સંપન્ન થયો હતો. શિલાન્યાસ મહોત્સવ સંપન્ન થતાં ભવ્ય મંદિર નિર્માણકાર્યનો પ્રારંભ થયો છે.
શિલાપુજન કાર્યક્રમમા વર્ચ્યુઅલ જોડાયેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને ધરતી માતાની સેવા કરવા માટે ‘કુદરતી ખેતી’ તકનીક અપનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓછા સમયમાં વધુ ઉપજ મેળવવાની ઈચ્છાઓ ખેડૂતોને જમીનની પરવા કર્યા વિના ખાતર અને રસાયણનોનો ઉપયોગ કરવાની પરજ પાડી છે, જેના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું, હું તમને અહીં વિનંતી કરું છું કે મા ઉમિયાની સેવા કરતી વખતે ધરતી માતાને ભૂલશો નહીં.
ગુજરાતની ગાથા લખાશે ત્યારે પાટીદારોનું યોગદાન સુવર્ણ અક્ષરે લખાશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાટીદાર સમાજનો વિકાસ અને ગુજરાતનો વિકાસ એમ બે ગ્રાફ સમાંતરે જઇ રહ્યાં છે. ગુજરાતની ગાથા લખાશે ત્યારે પાટીદાર સમાજનું યોગદાન તેમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ સમાજે અનેક ક્ષેત્રોમાં પુરૂષાર્ષ કરીને યોગદાન આપ્યું છે. અમદાવાદના સોલામાં ૧૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લેનારા ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પાટીદાર સમાજે પોતે કમાઇને બીજાને ખવડાવવાની પ્રવૃત્તિ રાખી છે તેથી સમાજ આગળ છે. નીતિન પટેલે કહ્યું હતું કે અમદાવાદમાં ૨૦ લાખ જેટલા પાટીદારો વસે છે ત્યારે ઉમિયાધામ આ શહેરમાં બનાવવામાં આવ્યું છે.

