મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીના બર્થ ડે પાર્ટીમાં મોંઘેરા મહેમાનો ઉમટ્યાં

Tuesday 14th December 2021 14:09 EST
 
 

જામનગર: ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશભાઇ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મ દિવસની ભવ્ય ઉજવણી જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ ગ્રીન્સ એરિયામાં ઉજવવામાં આવી હતી. જેમાં સામેલ થવા જાણીતી હસ્તીઓ જામનગરની મહેમાન બની છે. અને સંગીત સંધ્યા સહિતનાં કાર્યક્રમોની ભવ્ય પાર્ટી યોજવામાં આવી હતી.
આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં સહભાગી થવા ફિલ્મ- કલાકારો, ક્રિકેટરો સહિતની સેલિબ્રિટીઓનું આગમન થયું હતું જેમા આજે વિમાન માર્ગે મુંબઇ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાના પરિવાર સાથે જામનગરમાં એરપોર્ટ પર આવ્યા હતા. તેઓની સાથે હાર્દિક પંડ્યા. ઝાહીર ખાન વગેરે પણ આવી પહોંચતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ સહિતના કલાકારો અને ઉદ્યોગપતિ પાર્થ જિંદાલ પણ આવી પહોંચ્યા હતા.
આ પ્રસંગે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણી તેમજ તેમજ તેઓનાં વેવાઇ અજય પીરામલ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ ગ્રીન્સમાં સંગીત સંધ્યા સહિતના ભવ્ય કાર્યક્રમોની હારમાળા યોજાઇ હતી. જેમાં ભારતીય મશહૂર સિંગર અરિજીતસિંઘનું પણ જામનગરના એરપોર્ટ પર આગમન થયું હતું અને તેણે જન્મદિવસ પાર્ટીના જલસાને વધુ રંગીન અને સંગીતમય બનાવ્યો હતો.


comments powered by Disqus