ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ને સફળ બનાવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકાર અને તેના માર્ગદર્શનમાં સમગ્ર વહીવટી તંત્ર દિવસરાત એક કરી રહ્યું છે. ગુજરાતમાં વધુને વધુ કંપનીઓ આવે અને રોજગારીની તકો પ્રાપ્ય થાય એ દિશામાં સક્રિય પ્રયાસ હાથ ધરાયાં છે. સરકાર અને ઉદ્યોગ સહિતના વિભાગોના પ્રયાસથી નવ દેશોએ આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં કન્ટ્રી પાર્ટનર બનવા માટે તૈયારી દર્શાવી છે.
વાઇબ્રન્ટ ગુજરાત - ૨૦૨૨ના જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવા તડામાર તૈયારી ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અન્ય રાજ્યોમાં રોડ શો સહિત વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં લાવવા ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં સરકાર અને ઉદ્યોગ વિભાગના ઉચ્ચાધિકારીઓ વ્યસ્ત બન્યા છે. આ મહેનતના હવે સારા પરિણામ પણ મળી રહ્યા છે. પ્રાથમિક અહેવાલ મુજબ, કુલ નવ દેશોએ વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડાવા સંમતિ દર્શાવી છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, પોલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી યુએઇ, ફ્રાન્સ અને કેનેડા જેવા દેશોએ આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, પરંતુ આગામી સમયમાં રજીસ્ટ્રેશન કરાવે તે દિશામાં પ્રયાસ થઇ રહ્યાં છે. કન્ટ્રી પાર્ટનર ઉપરાંત ૫૯૪૪ વ્યક્તિગત રોકાણકારોએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પરતા દાખવી છે. જ્યારે ૪૬૧૪ કંપનીઓએ પણ ગુજરાતમાં આવવા ઉત્સુક્તા દાખવી રજીસ્ટ્રેશન કરાવતાં વહીવટી તંત્ર અને સરકારે રાહતનો દમ લીધો છે.
ગુજરાતમાં ભલે કોરોના અને ઓમિક્રોનનો ખતરો સતાવી રહ્યો હોવા છતાં ગુજરાતમાં રોકાણ કરવા અન્ય રાજ્યો અને દેશના રોકાણકારોએ ઉત્સાહ દર્શાવતાં વાઇબ્રન્ટ ગુજરાત – ૨૦૨૨ હજુ પણ સારા પરિણામ મળવાની આશા છે.

