ભુજઃ વૈશ્વિક ફલક પર કઠોર તપ માટે માનભેર જોવાતા જૈન સંપ્રદાય પૈકીના દિવ્ય તપસ્વી રત્ન આચાર્ય હંસરત્ન મ.સા તેમના ગુરૂ આચાર્યશ્રી ભુવનભાનુ સુરીશ્વરજી મ.સાની પ્રેરણાથી મુંબઈના વાલ્કેશ્વર સ્થિત દેરાસર મધ્યે સતત પાંચમી વખત અજાયબ કહી શકાય તેવા ૧૩૩ ઉપવાસ પૂર્ણ કરી ૧૮૦ના સંકલ્પ ભાવ તરફ પ્રયાણ કરી લોકોને અંચબિત કરી રહ્યા છે. આમ છેલ્લા ૨૫૦૦ વર્ષના સમયગાળામાં ૫૫ વર્ષની ઉંમર દરમ્યાન પ્રતિ વર્ષ અવિરતપણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફક્ત ગરમ પાણીનું સેવન કરી આજ પર્યંત કુલ ૩૩૩૩ ઉપવાસ પૂર્ણ કરનાર સંભવિત પ્રથમ યોગી તરીકે ઉભરી આવશે.
છેલ્લા ઘણા વર્ષોથી તબીબી સેવા અર્થે ગુરુભગવંતો સાથે સંકળાયેલા અમેરિકાના વોશિંગટન ડીસી સ્થિત નામાંકિત પરફ્યુનીસ્ટ તથા મહાવીર જ્યોતના સૂત્રધાર જ્યોતિ ધરોડ ગાલા એ સમગ્ર ઘટનાક્રમથી માહિતગાર કરતાં જણાવ્યું હતું કે મૂળ રાપર તાલુકાના આધોઇ મુકામે રાજીબેન દેવજીભાઈ સતરા (હાલે થાણા-મહારાષ્ટ્ર)ની કુખે અવતરેલા આચાર્ય હંસરત્ન મહારાજે ૧૩ વર્ષની કુમળી વયે દીક્ષા ગ્રહણ કરી હતી.
ત્યારબાદ ૨૦૧૪ માં મુંબઈના મરીન ડ્રાઈવ ૨૦૧૮ માં અંધેરી ૨૦૨૧માં સાંગલી અને હાલ વાલ્કેશ્વર મુકામે દેરાસરમાં સતત પાંચમી વખત ૧૮૦ ઉપવાસ સંપન્ન કરી યોગીઓની નામાવલિ માં એક નવો અધ્યાય ઉમેરશે. ઉપરાંત તેમનો સંકલ્પ પૂર્ણ થયે પારણાં ઉત્સવની તારીખ નક્કી કરવાનું ઉમેરતાં જ્યોતિબેને પુત્રીઓને ભણાવી સ્વતંત્ર બનાવવા સાથે અહિંસાનું ચુસ્ત પાલન કરવાનો સંદેશ તેમના માધ્યમથી લોકો સમક્ષ મુક્યો છે.

