વાપીઃ વિશ્વભરના પારસીઓનું પવિત્ર તીર્થ સ્થળ ઉદવાડા આતશ બહેરામમાં વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં રહેતાં પારસીઓની અવર-જવર રહે છે. ૧૨૫ વર્ષ જૂના પાક ઇરાનશાહ આતશ બહેરામનાં રિનોવેશનની કામગીરી હાથ ધરાઇ હતી. આ રિનોવેશન બાદ પારસીઓના તીર્થસ્થળ ઉદવાડા આતશ બહેરામ હેરિટેજ લુકમાં જોવા મળી રહ્યું છે. મુંબઇના જાણીતા શાપુરજી પાલનજી ગ્રૂપ દ્વારા રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે. પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસી સમુદાયનું મુખ્ય પવિત્રધામ આવેલુ છે. જેમાં ૧૨૦૦થી વધુ વર્ષથી અગ્નિ(આતશ) સતત ચાલુ છે. જેની મુખ્ય પૂજા-અર્ચના પારસી સમુદાય દ્વારા કરવામાં આવે છે. જે પાક ઇરાનશાહ આતશ બહેરામના મકાનની મરામતની કામગીરી મુંબઇના ઇન્ફ્રાટ્રકચર ક્ષેત્રેના જાણીતાં શાપુરજી પાલનજી ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે પારસી સમુદાયના વડા અને કેન્દ્રના રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના પૂર્વ સભ્ય ખુરશેદ દસ્તુરજીએ જણાવ્યું હતું કે, પાક ઇરાનશાહ આતશ બહેરામનું મકાન ૧૨૫ વર્ષ પુરાણું છે. જે મકાનમાં અમુક વિભાગ ખરાબ થઇ ગયો હોવાથી તેની મરામતની કામગીરી કરવામાં આવી છે. પારસી સંસ્કૃતિની સામગ્રી જળવાઇ રહે તેનું ખાસ ધ્યાન રાખી અદ્યતન આતશ બહેરામ બનાવવામાં આવ્યું છે. બાકી ભારત અને વિશ્વમાં કુલ ૧૨૦થી વધુ અગિયારીઓ આવેલી છે. અહીં પારસી સમુદાયના વિશ્વના મુખ્ય પવિત્રધામને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યું છે. જે માત્ર વલસાડ જિલ્લો જ નહીં પરંતુ ગુજરાત રાજય અને ભારતનું તેમજ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
પાક ઇરાનશાહ આતશ બહેરામમાં શું-શું નવું આવ્યું
પારસીઓના ધાર્મિક સ્થળ એવા પાક ઇરાનશાહ આતશ બહેરામમાં મુખ્ય આતશ(અગ્નિ)નું સ્થાન અને હોલ હતા. હવે કસ્તીખાનું, દસ્તુરહાઉસ, નાનખાનું વગેરેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે હેરિટેજ લુક અપાતાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ૧૦૦થી ૧૫૦ વર્ષ જૂના પારસીઓના મકાન હજુ પણ ઉદવાડામાં અડીખમ ઊભા છે.

