• નોન શિડ્યુલ ચાર્ટર્ડ ફલાઇટમાં આવતા વીઆઇપી માટે એરપોર્ટ પર અલગ ટર્મિનલ તૈયારઃ અમદાવાદ એરપોર્ટ પર નોન શિડ્યુલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવતા જતા વીઆઈપી માટે ગુજસેલ બિલ્ડિંગની બાજુમાં એક અલગ ટર્મિનલ જાન્યુઆરીમાં ખુલ્લું મુકાવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ ૮ થી ૧૦ ચાર્ટર્ડ ફ્લાઈટનું મૂવમેન્ટ થાય છે. પેસેન્જરોને હાલાકી ન પડે અને ચાર્ટર્ડ ફ્લાઈટમાં આવતા જતા વીઆઈપીને પણ બહાર નીકળવામાં સરળતા રહે તે માટે સેરિમોનિયલ ગેટ અને ગુજસેલ બિલ્ડિંગ વચ્ચે નવું ટર્મિનલ તૈયાર થશે. ટર્મિનલમાં વીઆઇપી રૂમ સહિતની સુવિધા હશે અને ૧ હજારથી ૧૫૦૦ સુધી ચાર્જ લેવાશે.
• વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રસાર પ્રચાર માટે રૂ. ૩ કરોડનો કોન્ટ્રાક્ટઃ એમિક્રોન વેરિએન્ટના ભય વચ્ચે રાજ્ય સરકારે પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિવિધ કામો માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે પ્રસાર-પ્રચાર માટે મોટા પગાર ધરાવતાં સરકારી અિધકારીઓ સાથે આખુય તંત્ર સજ્જ છે છતાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બ્રાન્ડિંગ માટે રૂા. ૩ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
• રાજયના કૃષિ ક્ષેત્રમાં રોકાણો માટે રૂા.૨૩૫૯ કરોડના એમઓયુ: વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્ધારા આગામી જાન્યુઆરી- ૨૦૨૨ માં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાધમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં રાજયના કૃષિ ક્ષેત્રમાં રોકાણો માટે રૂા.૨૩૫૯ કરોડના સમજુતિ કરારો કરવામાં આવ્યા હતા.
• મહિનામાં જ રૂ. ૧ હજાર કરોડ હવાલા મારફત હોંગકોંગ મોકલ્યા, રૂ. ૧૦૦ કરોડના હીરા વેચ્યા: સચીન સેઝમાંથી ડીઆરઆઇ (ડિરેક્ટોરેકટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) એ ડાયમંડના નામે ચાલતુ એક હજાર કરોડ રૂપિયાનું હવાલા કાંડ ઝડપી રાકેશ રામપુરિયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં ડીઆરઆઇએ સાત દિસવના રિમાન્ડ માગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓએ એક મહિના અગાઉ જ કંપની શરૂ કરી હતી અને એક ઓરિજિનલ ડાયમંડના નામે સિન્થેટિક ડાયમંડ મંગાવી તેનું પેમેન્ટ હવાલા મારફત હોંગકોંગ કરવામાં આવતુ હતુ. હાલ જે હીરા લોકલ માર્કેટમાં વેચાયા છે તે કોણે-કોણે લીધા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
• રાજ્યનાં ૮ શહેરોમાં ૨૦ ડિસેમ્બર સુધી રાત્રિ કફર્ય લંબાવાયો: ગુજરાતના આઠ શહેરોમાં કોરોનાને કારણે રાજ્ય સરકારે રાત્રે ૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધીનો ચાર કલાકનો નાઇટ કર્ફ્યુ ૨૦ ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. અગાઉ બહાર પડેલા જાહેરનામાં અનુસાર આ કર્ફ્યૂની મુદ્દત ૧૦ ડિસેમ્બર સુધી હતી જે પૂર્ણ થતાં મુદ્દત ૨૦ ડિસેમ્બર સુધી લંબાવાઇ છે. સરકારના સૂ્ત્રોના જણાવ્યા અનુસાર હજુ સરકાર ૩૧ ડિસેમ્બર સુધી આ કર્ફ્યુ લંબાવી શકે છે. આ હુકમ અનુસાર અમદાવાદ, સૂરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં લાગુ રહેશે. લગ્ન તથા અન્ય સમારોહ માટેની વ્યક્તિ મર્યાદા પણ યથાવત રખાઈ છે
• રાજ્ય સરકારને લગ્ને લગ્ને કોરોના દેખાયો: કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્યમાં કોરોના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હાલમાં લગ્નની સિઝન હોવાથી લોકોની લગ્ન પ્રસંગોમાં અવરજવરને કારણે કોરોના કેસોની સંખ્યા વધી છે. ઓમિક્રોનને લઇને તમામ પ્રકારની સાવચેતી રખાઈ રહી છે.
• ભાવિના પટેલ ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં: ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ તેમજ અર્જુન એવોર્ડ વિજેતા એવી ગુજરાતની દીકરી ભાવિના પટેલની સ્ટેટ આઇકોન તરીકે નિયુક્તિ કરી છે.
• રાજ્યના ચીફ ઇન્ફર્મેશન કમિશનર તરીકે અમૃત પટેલની નિયુકિત: ગુજરાતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે રાજ્ય સરકાર અને રાજ્યપાલે અમૃત પી. પટેલની નિમણૂક કરી છે. તેઓ ટેસ્ટ ઇન્ફર્મેશન કમિશનર તરીકે કાર્યરત હતા.અમૃત પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારનાં મુખ્યમંત્રી ઓફિસમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યૂટી તરીકે ફરજ બજાવતા હતા પરંતુ તેમને બદલીને ફુડ એન્ડ સિવિલ સપ્લાયમાં ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતાં. આ પહેલાં તેઓ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલના સમયમાં પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ નિભાવી ચૂક્યાં છે.
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઇમાં એક્સ્પોમાં ભારતના પેવેલિયનની મુલાકાતે: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૦ પહેલા યુ.એ.ઇના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતાને પ્રેરિત કરવાા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના દુબઇના બે દિવસના પ્રવાસે ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ત્યાં યોજાયેલા વર્લ્ડ એક્સપો ૨૦૨૧માં ભારતના પેવેલિયનની મુલાકાત લીધી હતી. જેમાં અબુધાબીમાં બીએપીએસ સંસ્થા દ્વારા આકાર પામી રહેલા હિન્દુ મંદિર સ્થળ માટે પ્રદર્શિત કરાયેલા મોડેલ દ્વારા બીએસપીએસ હિન્દુ મંદિરના બાંધકામ સહિતના વિવિધ આયોજનોની વિગતો મેળવી હતી. ગલ્ફ વિસ્તારમાં તૈયાર થનારા આ મંદિર વિષેની જાણકારી મેળવીને મુખ્યમંત્રી અને તેમની સાથે પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા.
• ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને યુ.કેનો રોયલ ગોલ્ડ મેંડલ ૨૦૨૨ એનાયત કરાશે: ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને યુનાઇટેડ કિંગ્ડમનો સૌથી પ્રતિષ્ઠિતરોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨માં એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બી.વી.દોશીને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ જાણાવ્યું કે, વિશ્વ સ્થાપત્ય ક્ષેત્રે તેમનું યોગદાન ખૂબ જ યાદગાર છે. ઉલ્લેખનીય છે કે, યુ.કે.નો રોયલ ગોલ્ડ મેડલ આર્કિટેક્ચર ક્ષેત્રે વિશ્વનું સર્વોચ્ચ સન્માન છે. રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ (RIBA) એ જાહેરાત કરતા જણાવ્યું હતું. કે,વર્ષ ૨૦૨૨નું સન્માન બાલકૃષ્ણ દોશીને આપવામાં આવશે.
• ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ માટે દુબઇમાં ૧૯ જેટલા એમઓયુ થયા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન દુબઇની મુલાકાત લઇ ગુરુવારે રાત્રે ગાંધીનગર પરત આવી રહ્યું છે. જાન્યુઆરીમાં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ચ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના પરિપેક્ષ્યમાં ગયેલા પ્રતિનિધિ મંડળે દુબઇની ઓબેરોય હોટેલમાં ગુજરાતમાં મૂડીરોકાણ સંદર્ભે હોટેલમાં ગુજરાતમાં મૂડી રોકાણ સંદર્ભે વૈશ્વિક રોકાણકારો-ઉદ્યોગકારો અને સમક્ષ રોડ-શો યોજ્યો અને એ સાથે બે દિવસ દરમિયાન દુબઇના ઉદ્યોગકારો સાથે બેઠકોની દૌર ચલાવ્યો હતો. જેની ફૂલશ્રુતિરૂપે ૧૯ જેટલા નવા એમઓયું થયા હતા.
• સાલ ગ્રુપ, શાહ એલોય કંપનીના ૧૨થી વધુ સ્થળો પર મુંબઇની આઇટી ટીમના દરોડા: શહેરના સાલ ગ્રૂપ અને શાહ એલોય કંપનીઝના માલિક રાજેન્દ્ર શાહ અને કિરણ શાહનાં રહેઠાણ અને ઓફિસ પર મુંબઈના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. સાલ ગ્રૂપની બીજી કંપની શાહ એલોય્ઝની કોર્પોરેટ ઓફિસ અને રજિસ્ટર ઓફિસ સહિત રહેઠાણો મળીને ૧૨થી વધારે જગ્યાએ દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં અમદાવાદ અને મુંબઈની ૩૦ થી વધારે જગ્યાઓને આવરી લેવામાં આવી છે.
• વાઇબ્રન્ટ પૂર્વ જ રાજસ્થાન સરકાર રૂ. ૧.૦૫ લાખ કરોડનું રોકાણ ખેંચી ગઇ: ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ યોજે તે પૂર્વ જ રાજસ્થાન સરકારના પ્રતિનિધિઓ ગુજરાતમાં આવીને રૂ. ૪૧,૫૯૦ કરોડના સમજૂતી કરાર કરી ગયા છે. તેમ જ રૂ.૬૪,૧૧૦ કરોડના રોકાણ માટેના ઇરાદા પત્ર સ્વીકારીને ગયા છે. આમ કુલ મળીને ગુજરાતમાંથી રાજસ્થાનમાં રૂ. ૧.૦૫ લાખ કરોડથી વધું રોકાણ ખેંચી જવામાં સફલ થઇ છે. કોરોનાને કારણે ગુજરાતીની વાઇબ્રન્ટ સમિટિ ફિઝિકલ સ્વરૂપમાં થાય છે કે પછી ઝૂમ પર ઓનલાઇન જ સમિટ થાય છે. તે અંગે પણ અત્યારે નિશ્ચિતતાથી કહી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે રાજસ્થાન સરકાર ગુજરાતમાં આવીને રોકાણકારોને ખેંચી જવામાં સફળ થઇ છે.
• એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ ગ્રૂપની રૂ. ૫૦૦ કરોડની બિનહિસાબી આવકના પુરાવા મળ્યા: આવકવેરા વિભાગે ગત મહિને તા. ૨૩ નવેમ્બરના રોજ અમદાવાદ સહિત ૪૪ સ્થળે રત્નમણિ ગ્રુપ અને એસ્ટ્રલ પાઇપ્સના ધંધા અને માલિકોના રહેઠાણના સ્થળે દરોડા પાડ્યા હતા. દરોડાની કામગીરી પૂર્ણ કર્યા બાદ અત્યાર સુધી કુલ રૂ. ૫૦૦ કરોડના બીનહિસાબી આવકના પુરાવા આઈટીને મળ્યા છે. કરચોરીનો આંક હજુ વધુ ઊંચો જાય તેમ છે. દરોડા દરમિયાન કુલ બે કરોડની રોકડ, રૂ. ૮.૩૦ કરોડનું ઝવેરાત જપ્ત કરીને ૧૮ જેટલા બેન્ક લોકરો સીલ કર્યા છે. બંને ગ્રુપના ત્યાંથી બેનામી પ્રોપર્ટી ખરીદી હોવાના આધાર પુરાવા મળ્યા છે એટલું જ નહીં મોબાઈલના વોટ્સએપ ચેટમાંથી ડિલિટ કરેલા ટેક્સેબલ ઈન્કમના ડેટા આઈટીના અધિકારીઓને મળતા કરચોરીનો ભાંડો ફૂટી ગયો હતો.
