સાઉથ આફ્રિકાથી સુરત આવેલો યુવક ઓમિક્રોનથી સંક્રમિત

Tuesday 14th December 2021 14:16 EST
 

સુરત: દક્ષિણ ગુજરાતમાં પણ કોવિડના ત્રીજા વેરિએન્ટ ઓમિક્રોનએ દસ્તક દીધી છે. સુરતના વરાછા-એ.કે.રોડ પર રહેતા અશ્વનીકુમાર ડાયમંડ મરચન્ટ ઓમિક્રોન વાઇરસની ઝપેટે આવ્યા હોવાનું નોંધાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ઓમિક્રોન વાઇરસની હાજરી નોંધાઇ છે. ૪૨ વર્ષીય ડાયમંડ મરચન્ટ ગત તા. ૨જી ડિસેમ્બરે સાઉથ આફિક્રાનો પ્રવાસ ખેડી સુરત આવ્યા હતા. સુરત આવ્યા બાદ તેઓની તબિયત નાદુરસ્ત નોંધાઇ હતી. તેમની મેડિકલ હિસ્ટ્રીમાં કોવિડ ચિન્હો નોંધાયા હતા. ૭મી ડિસેમ્બરે તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. ત્રીજા વેરિએન્ટ ઓમિક્રોનથી તેઓ કોવિડ પોઝિટીવ જાહેર થયા હતા.
૧૩ ડિસેમ્બરની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૫૮ કેસ નોંધાયા છે અને વલસાડમાં એક દર્દીનો કોરોનાનાએ ભોગ લીધો છે. દરમિયાન વધુ ૫૬ દર્દી સાજા થયાં છે. રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૭૧ ટકા થઈ ગયો છે. રાજ્યમાં કુલ ૫૪૯ દર્દી સારવાર હેઠળ છે, જેમાથી નાજુક સ્થિતિના કારણે ૫ દર્દી વેન્ટિલેટર પર છે. નવા નોંધાયેલા કેસમાં કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૮ કેસ, વડોદરામાં ૧૨, ભાવનગરમાં ૫, રાજકોટમાં ૪, સુરતમાં ૨ અને ગાંધીનગરમાં નવો એક કેસ નોંધાયો છે. જિલ્લાઓમાં સૌથી વધુ કચ્છમાં ૫ કેસ, નવસારીમાં ૪, પાટણમાં ૨, અમદાવાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, રાજકોટ અને વડોદરામાં નવો એક-એક કેસ નોંધાયો છે.


comments powered by Disqus