સુરતઃ શહેરના પાંચ બિલ્ડર અને ફાયનાન્સરને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં રૂ. ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કારણ કે જમીનના થયેલા મોટાભાગના સોદાઓમાં ચોપડી પર જે રકમ દર્શાવવામાં આવી હતી. તે પૈકી મોટાભાગની રકમ રીટર્નમાં દર્શાવી નહીં હોવાના કારણે હાલ તો ઇન્કમટેક્સની ડીઆઈ વિગતે તપાસ શરૂ કરી છે. તેમજ ૪૦ સ્થળો પર પાડવામાં આવેલા દરોડા પૈકી ૩૫ સ્થળો પર દરોડાના ચોથા દિવસે તપાસ પૂરી થઈ હોવાની વિગતો જાણવા મળી છે. ઇન્કમટેક્સની ડીઆઈ વિંગે સંગીની ગ્રૂપ, અરીહંત ગ્રૂપ, અશેષ શાહ, મહેનદ્ર ચંપક ગ્રૃપ, કિરણ સંગવી, હોમલેન્ડ ગ્રૂપ પર વહેલી સવારે દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં સુરત ડીઆઈ વિંગની સાથે સાથે અમદાવાદના મળી કુલ્લે ૭૦ અધિકારીઓની ટીમ જોડાઈ હતી. સતત ચાર દિવસથી ચાલી રહેલી તપાસમાં ૪૦ સ્થળો પૈકી ૩૫ સ્થળો પર તપાસ પૂરી કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવેલી જમીન તેમજ વેચવામાં આવેલી દુકાન, ઓફીસ અને ઘરમાં જંત્રીના ભાવ પ્રમાણેની જ રકમ ચોપડા પર દર્શાવી છે. જ્યારે તે સિવાયની રકમ બ્લેકમાં લીધી હોવાનું બહાર આવ્યું છે.
