આણંદઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યારેક વિકાસ માટેનું મહત્વનું પરિબળ બની રહે છે. જિલ્લાના ભાદરણ ગામમાં હોસ્પિટલ વર્ષોથી બંધ પડી હતી. સ્થાનિકોએ સોશિયલ મીડિયાના મારફતે ૬ મહિનામાં રૂ, ૯૦ લાખની રકમ એકઠી કરી ભાદરણ મિત્ર મંડળ હોસ્પિટલની શરૂઆત કરી છે.
ભાદરણ મિત્ર મંડળ હોસ્પિટલના મંત્રી શૈલેષ પટેલે જણાવ્યું કે, ભાદરણ ગામમાં સારી હોસ્પિટલની સુવિધા ના હોવાથી ગ્રામજનોને બોરસદ કે આણંદ સુધી જવાની ફરજ પડતી હતી. ગામમાં હોસ્પિટલ માટેનું મકાન ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું હતું. જો એ મકાનનું રિનોવેશન કરવામાં આવે તો ગામને સારી આરોગ્ય સુવિધા મળી રહે. આ બાબતે શ્રદ્ધા હોસ્પિટલના ડો.પરેશ પટેલ સાથે વાત કરી કે ગામમાં હોસ્પિટલની તમામ સુવિધા તૈયાર કરી આપીએ તો તેઓ સ્ટાફ આપી શકશે? તો તેઓએ સ્ટાફ આપવા તૈયારી દર્શાવી. હોસ્પિટલમાં સ્ટાફ માટે શ્રદ્ધા હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા. ત્યારબાદ હોસ્પિટલના અન્ય સાધનો માટે ફંડની આવશ્યક્તા હતી. જેના માટે સોશિયલ મીડિયામાં પર ગામમાં હોસ્પિટલ માટે મદદ કરવા માટેની એક પોસ્ટ મુકવામાં આવી. આ પોસ્ટથી દેશવિદેશમાં વસતા મિત્રો તરફથી પ્રતિસાદ સાંપડ્યો. માત્ર ૬ માસમાં જ રૂ. ૯૦ લાખનું દાન મળી આવ્યું. કોવિડકાળમાં જ હોસ્પિટલને શરૂ કરી દેવામાં આવી. હોસ્પિટલના પ્રમુખ તરીકે તપન પટેલ સેવા આપી રહ્યા છે.
