અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે વિખૂટા પડેલાં આંતરધર્મીય યુગલનો મેળાપ કરાવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાંથી એક વર્ષ પહેલાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી ઘરેથી નાસી જતાં પરિવાર દ્વારા તેમને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવક પર દુષ્કર્મનો કેસ કરાયો હતો અને યુવતીને નારી સંરક્ષણ ગૃહ મોકલાઇ હતી. યુવકે હવે જેલમાંથી છૂટી હેબિયસ કોર્પસ કરતા કોર્ટે યુવતીની ઇચ્છા મુજબ બન્ને સાથે રહેવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
આ કેસની વિગત એવી છે કે યુગલ ૨૦૨૦ના ઓગસ્ટ માસમાં ઘરેથી નાસી છૂટયું હતું. આંતરધર્મીય સંબંધ હોવાથી તેમને પકડવામાં આવ્યા હતા. જેમાં યુવક સામે પોક્સો અને દુષ્કર્મનો કેસ કરાયો હતો અને યુવતીને જૂનાગઢ સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. યુવક જેલમાં હોવાથી મહિનાઓ સુધી બન્ને એકબીજાનો સંપર્ક કરી શક્યા નહોતા. યુવકે જેલમાંથી છૂટી હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી કે યુવતીને મરજી વિરૃદ્ધ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે અને તે પુખ્ત વયની છે. હાઇકોર્ટે પણ યુવતીનીની ઇચ્છા પૂછતાં તેણે કહ્યું હતું કે તે તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. જેના આધારે કોર્ટે યુવતીને તેના પ્રેમી સાથે રહેવાની પરવાનગી આપી હતી.
