૪૮ કલાકમાં ૧૦૩ મૃતદેહના અંતિમસંસ્કાર

Tuesday 14th December 2021 12:08 EST
 

વલસાડઃ જિલ્લામાં એપ્રિલ-૨૧માં કોરોનાની બીજી લહેરે ઉપાડો લેતાં લાશોના ખડકલા થઈ ગયા હતા. હયાત સ્મશાન ભૂમિઓમાં અપૂરતી વ્યવસ્થાને પગલે કોવિડ-૧૯ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વહીવટી તંત્ર દ્વારા અતુલ ખાતે હંગામી સ્મશાનભૂમિ બનાવાઈ હતી.  જ્યાં ૯૬ દિવસમાં ૬૪૨ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર આદિવાસી સમાજના જાણીતા આગેવાન રમણ પટેલનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં અંકિત થઈ ગયું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝ તરફથી ૪૮ વર્ષીય રમણ પટેલને તા. ૨૬ અને ૨૭-૪-૨૧ એમ બે દિવસમાં એટલે કે ૪૮ કલાકમાં કોવિડ ૧૯ના ૧૦૩ મૃતદેહોના અંતિમસંસ્કાર કરીને નવો વિક્રમ સર્જવા બદલ મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. રમણ પટેલે અતુલ ખાતે ૨૪ કલાકમાં જ કોવિડ-૧૯ સ્મશાનગૃહ તૈયાર કર્યું હતું. જ્યાં લાકડાં-છાણાંનો ઉપયોગ કરીને કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી.


comments powered by Disqus