ભાવનગર: અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થાપના વર્ષ ૧૯૮૩માં થઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધીમાં ૩૮ વર્ષમાં ૮૩૫૧ જહાજ ભાંગવા માટે અહીં આવી ચૂક્યા છે, પરંતુ પ્રથમ વખત કોઇ મહિલા કેપ્ટન જહાજ લઇને આવી પહોંચ્યા છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં. ૬૩માં તા. ૯ સપ્ટેમ્બરના રોજ ઓઇલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઇને સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા લૂન્ડમાર્ક લઇને આવ્યા છે. બીચિંગ બાદ સ્વદેશ જવા માટે રવાના થતા અગાઉ સોફિયા લૂન્ડમાર્કે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૨ વર્ષથી જહાજના પરિવહન સાથે સંકળાયેલી છું, પરંતુ અલંગના દરિયા જેવો કરન્ટ સમગ્ર વિશ્વમાં ક્યાંય અનુભવાયો નથી. અહીં જહાજનું એન્કર નાંખવુ અને તેને પુન: ઉપાડવું પણ જોખમી છે. ૨૪ કલાક જહાજના બ્રિજ રૂમમાંથી દેખરેખ રાખવી પડે છે. તેણીએ જણાવ્યું હતું કે, અલંગમાં બહારપાણીએ જહાજ લઇને પહોંચ્યા ત્યારે હું થોડી મુંઝવણમાં હતી.
અત્યાર સુધીની કારકીર્દિમાં જહાજને લોડિંગ-અનલોડિંગ માટે લઇ જવાનો સોફિયા લૂન્ડમાર્કને ગહન અનુભવ છે, પરંતુ જહાજને દરિયાકાંઠે લઇ આવવા (બીચિંગ)નો પ્રથમ અનુભવ હતો. તેણીના જણાવ્યા પ્રમાણે સ્થાનિક શોર પાયલોટ પૂર્વજીતસિંહ સરવૈયાની મદદ વિના અશક્ય લાગતું હતું, તે પોતાના કાર્યમાં કુશળ હતા અને જહાજની સ્પીડ, દીશા, કરન્ટ સહિતની બાબતોથી સતત માર્ગદર્શન આપી રહ્યા હતા અને જહાજને કિનારે લાવવા માટે તે શું કરી રહ્યા છે તેની તેઓને ચોક્કસ દિશામાં જ્ઞાન હતુ, એકદમ પ્રોફેશનલ શોર કેપ્ટન હતા.
વિશ્વના માત્ર ૨ ટકા જહાજોમાં લેડી કેપ્ટન
સોફિયાએ ઉમેર્યુ હતું કે, સમગ્ર વિશ્વના જહાજો પૈકી માત્ર ૨ ટકા જહાજોમાં લેડી કેપ્ટન છે, જો કે હવે મહિલાઓ કેપ્ટન બનવા તરફ આગળ આવી રહી છે. તેણીના મતે, જહાજના કેપ્ટન બનવા માટે તમારે મગજ અને હ્રદયથી સ્ટ્રોન્ગ હોવું જરૂરી છે. લોકો શું કહે છે તે બાબતોને અવગણતા આવડવું જોઇએ. જહાજ ઉપર ક્રૂ મેમ્બરો એક નાની સોસાયટીની જેમ રહે છે, મહિનાઓ સુધી પાણીમાં રહેવું પડે છે. છતા એક સેઇલર દરિયામાં ઉઠી રહેલા મોજાને પ્રેમ કરે છે.

