ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના રાજ્યસભાના પૂર્વ સભ્ય સ્વ. અહમદ પટેલનો દિલ્હી સ્થિત સત્તાવાર બંગલો તેમના પરિવારે ખાલી કર્યો છે. આ બંગલો સુરતના સાંસદ અને કેન્દ્રિય રેલવે અને કાપડ રાજ્યપ્રધાન દર્શના જરદોશને ફાળવાયો છે.
અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ટ્વિટર પર બંગલાની યાદીગીરી તાજી કરી હતી. મધર ટેરેસા ક્રેસન્ટ નામના ૨૩ નંબરના બંગલામાં અહમદ પટેલ છેલ્લા ૩૦ વર્ષથી રહેતા હતા. આ બંનેએ નિવાસસ્થાનનો ભાવાત્મક વિડીયો પોસ્ટ કરીને અંતિમ વિદાય લીધી હતી.
અહમદ પટેલના પત્ની મેમુનાબહેન પટેલ સાથે દર્શના જરદોશે ટૂંકી મુલાકાત કરી હતી. જરદોશે એવી ખાતરી આપી હતી કે પરિવારને માલસામાન અને ફર્નિચરની ઝડપથી ફેરબદલ કરવાની ચિંતાની જરૂર નથી અને તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ઘરમાં વસ્તુઓ રાખી શકે છે.
અહમદ પટેલનું દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાન વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાન, કેન્દ્રિય પ્રધાનો અને સાંસદોની બેઠકનું મહત્ત્વનું સ્થળ હતું. અહમદ પટેલ સામાન્ય રીતે રાત્રિના સમયે મહાનુભાવોને મળતા હતા. મોડી રાત્રી સુધી આ બંગલો મુલાકાતની અવરજવરથી ધમધમતો હતો.
તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર, રાષ્ટ્રીય ખજાનચી અને રાજ્યસભાના સભ્ય હતા. કોરોના સંક્રમણના કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થયા પછી નવેમ્બર ૨૦૨૦માં તેમનું નિધન થયું હતું. તેમની મનપસંદ વ્હાઈટ એમ્બેસેડર તેમના વતન પીરામણ ખસેડવામાં આવી છે.
ફૈઝલ પટેલે કહ્યું હતું કે આધુનિક ભારતનું સૌથી શક્તિશાળી સરનામું કદી ભૂલાશે નહીં. જ્યારે અહમદ પટેલની એમ્બસેડરને દિલ્હીથી પીરામણ લાવવામાં આવી ત્યારે પણ ફૈઝલ પટેલે લખ્યું હતું કે બીછડા હુઆ ઈસ અદા સે કે તુ હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા. આ બંગલા સાથે અહમદ
પટેલની ૩૦ વર્ષ જૂની યાદો સંકળાયેલી છે.

