આર.કે. ગ્રુપના એક જ લોકરમાંથી રૂ. ૩ કરોડ રોકડા મળ્યા

Tuesday 14th September 2021 12:56 EDT
 

રાજકોટઃ રાજકોટમાં આવકવેરા દરોડા દરમિયાન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. ગ્રુપના ૨૫ બેંક લોકર સીલ કરવામાં આવ્યા હતા. બાદ બેંકનું એક લોકર ખોલવામાં આવતા રૂ. ૩ કરોડ રોકડા મળી આવતાં આવકવેરા વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતાં. ક્રમશઃ અન્ય બેંક લોકર પણ હવે ખોલવામાં આવનાર હોવાથી અઢળક રોકડ રકમ અને હિસાબી સાહિત્ય સહિત અન્ય દસ્તાવેજો હાથ લાગે તેવી સંભાવના છે.
રાજકોટમાં આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિલ્ડિંગના વ્યવસાય સાથે જોડાયેલા આર.કે. ગ્રુપ અને માર્બલના ધંધાર્થી ગંગદેવ ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી જ્વેલરી, રોકડ રકમ સહીત બિનહિસાબી આર્થિક વ્યવહારો દર્શાવતી વિગતો સામેના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યાં હતાં.
તપાસ દરમિયાન આર.કે. ગ્રુપના ૨૫ જેટલા બેંક લોકરો, સીલ કરવામાં આવ્યા હતા. જે પૈકીનું એક બેંક લોકર ખોલવામાં આવતા રૂ. ૩ કરોડની રોકડ મળી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ક્રમશઃ હવે અન્ય બેંક લોકરો ખોલવામાં આવ્યા પછી મળી
આવેલી બિનહિસાબી રોકડ રકમ સહિત અન્ય વિગતો જાહેર કરવામાં આવશે.


comments powered by Disqus