ભુજઃ કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાને લઈ પ્રચલિત છે. કચ્છની કળા, કચ્છીયત , કારીગરીની સાથે કુદરતે બક્ષેલી ખૂબીઓ-સ્થળો અને સંપદાઓ તેને વિશિષ્ટ બનાવે છે. તેની સાથે અહીંના કચ્છીમાડુઓ જાત મહેનતની સાથે સાહસવૃત્તિના પ્રતાપે સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન ધરાવે છે. આવીજ સાહસવૃત્તિના સહકારે ભુજના માધાપરના લોકોએ વિદેશ ગમનના બળે પોતાના ગામને દેશમાંજ નહીં પરંતુ સમસ્ત એશિયામાં સૌથી શ્રીમંત ગામ બનાવ્યું છે.
ગામની ૧૫ બેંક અને પોસ્ટમાં ૫ હજાર કરોડ રૂપિયાની થાપણ જિલ્લા મથક ભુજની સમીપે માત્ર ૩ કિંમી. દૂર આવેલા જોડિયા નગર માધાપરમાં મુખત્વે પાટીદાર સમાજની વસ્તી આવેલી છે. પટેલ સમાજ લોકો વર્ષોથી દુનિયાના વિવિધ દેશોમાં રોજગારી મેળવી ત્યાં વસવાટ કરે છે અને માદરે વતન માધાપરમાં પોતાના પરિશ્રમના પૈસા બેંક અને પોસ્ટમાં જમા કરાવતા રહે છે. આ રકમનો આંક ૫ હજાર કરોડને આંબી જાય છે જેના બળે માધાપર ન માત્ર દેશનું પરંતુ એશિયાનું સૌથી ધનવાન ગામ હોવાનું મનાય છે.
માધાપર ગામના લોકો વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે અને પરિશ્રમ દ્વારા પૈસા કમાય છે મુખત્વે પટેલ સમાજના ૫ હજાર જેટલા લોકો વિદેશમાં વસી રોજગારી મેળવી રહ્યા છે. તેઓનું આફ્રિકન પ્રાંતોમાં વધુ વર્ચસ્વ ધરાવે છે જેમને ગુજરાતી સમાજનો પૂરતો સહકાર મળતો રહે છે. તેની સાથે મધ્ય આફ્રિકા સિવાય UK,ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ સહિતના દેશો બાદ હવે ગલ્ફ કન્ટ્રીમાં પણ પગપેસારો કર્યો છે. તેઓ બાંધકામ વ્યવસાય અને મોલ રેસ્ટોરાં સહિતના પ્રતિષ્ઠાનોમાં નોકરી અને સિક્યોરિટી ગાર્ડ તેમજ વિવિધ કાર્ય દ્વારા આવક મેળવે છે.
નવા વાસ ગ્રામ પંચાયત અને જૂના વાસ ગ્રામ પંચાયત એમ બે પંચાયત ધરાવતું ગામ છે જેની વસ્તી અંદાજિત ૪૦ હજારની છે. એ પ્રમાણે બેન્ક બેલેન્સના આધારે વ્યક્તિદીઠ ૧૨.૫૦ લાખ રૂપિયાની ડિપોઝીટ ગણી શકાય.
મૂળભૂત સુવિધાઓથી સજ્જ ગામમાધાપરના ગ્રામજનો અને NRI લોકોના કારણે બેન્ક ડિપોઝીટની સાથે પંચાયતની આવક પણ વહીવટી તંત્રને સધ્ધર બનાવે છે. ગામમાં રોડ-રસ્તા , પાણી , લાઈટ અને ગટરની સુવિધા છે . ચોતરફ બંગલોઝ જોવા મળે છે. બાળકોના અભ્યાસ માટે ખાનગી અને સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષણ મળી રહે છે. નવાવાસ પંચાયતની વાત કરવામાં આવે તો ગ્રાન્ટ સિવાયની વાર્ષિક એક કરોડની આવક પંચાયત ધરાવે છે જે સુશાસનમાં ખૂબ ઉપયોગી સાબિત થતું હોવાનું સરપંચ અરજનભાઈ ભુડિયાએ જણાવ્યું હતું.

