કાશી બાદ સૌથી પ્રાચીન નગરી ભરૂચમાં ૩૦૦ વર્ષ પહેલા પણ ૩ માળની ઇમારતો હતી

Tuesday 14th September 2021 13:31 EDT
 
 

અમદાવાદ: ભારતમાં કાશી બાદ સૌથી જુની પ્રાચિન નગરીમાં સમાવિષ્ટ ૮ હજાર વર્ષ જુની ભૃગુકચ્છ એટલે કે ભરૂચ. લક્ષ્મીજીનું શ્રીનગર, ભૃગુઋષિનું ભૃગુકચ્છ, અંગ્રેજોનું બ્રોચ અને હાલના ભરૂચ સુધીની ઐતિહાસિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે ઝળહળતી રાખી છે.
નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની (કાચબા)ની પીઠ ઉપર વિશ્વકર્માનો સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના ૧૮,૦૦૦ શિષ્યો સાથે ભૃગુકચ્છ (ભરૂચ) વસાવ્યું હતું. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરાયો છે. વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હતી.
ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ, વેપારીઓ, શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે.
પુરાતનકાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયું હતું. સદીઓ બાદ સમૃદ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ, ડચ, મોગલ, અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા. નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી. વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી.
ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટર અને વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કીલ્લાઓ, નદીઓ, ટાપૂઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજુકરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં મોગલોના શાસનમાં ૧૬૯૦ માં ભરૂચનું ચિત્ર કંડાર્યું હતું.
જેમાં ભરૂચની ભવ્ય ઈમારતો, કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિહાળી શકાય છે . ભરૂચમાં ૩૦૦ વર્ષ પહેલા પણ ૩ મંજલી ઈમારતો હતી જે એક ગૌરવવંતી બાબત છે.
ભરૂચ શહેરની બીજી વખત ૧૮૭૪-૭૫ માં કરાયેલી માપણી મુજબ કુલ ૧૦,૪૪૩ મકાનો હતા જેમાં ત્રણ માળથી વધારેમાં ૭૧ મકાનો, બે માળના ૬૬૧ મકાનો, ૧ માળના ૩,૨૨૧ મકાનો અને માળ વગરના ૨૮૩૮ મકાનો હતા . શહેરમાં ૨૩૫૪ કાચા ઝૂપડા હતા . સાથે જ ૧૯ કારખાના , ૧૨૭૮ દુકાનો હતી , ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો.

અંગ્રેજોના શાસનમાં વર્ષ ૧૭૭૭માં ૫૦ હજારની વસ્તી હતી

ઈ.સ. ૧૭૭૭ની સાલમાં અંગ્રેજોએ ભરૂચનું વસતી પત્રક રજું કર્યું હતું. જેમાં તે વખતે ૫૦ હજાર લોકોની વસતી ગણતરી થઈ હતી. સમગ્ર ભરૂચ શહેરમાં ૩૦ હજાર અને પરામાં ૨૦ હજાર લોકોની તે વખતે નોંધણી થઈ હતી. ત્યારબાદ વર્ષ ૧૮૧૨ના વસતી પત્રક વખતે ૩૨૭૧૬ લોકોની જ વસતી નોંધાઈ હતી. જેમાં હિન્દુ ૨૬૮૫૨, મુસલમાન ૧૨૦૨૨, પારસી ૨૧૫૩ , ક્રિશ્ચિયન ૫૦૬ , શ્રાવક ૭૨૧ , શિખ -૩, એનિમિસ્ટીકસ ૬૩૮ હતા.

૧૬૬ વર્ષ પહેલા પહેલી માપણી રૂ. ૭ લાખના ખર્ચે ૯ વર્ષે પૂર્ણ થઈ

ભરૂચ શહેરની પહેલી માપણી ૧ ફેબ્રુઆરી ૧૮૬૬ માં આજથી ૧૫૫ વર્ષ પહેલા શરૂ થઈ હતી જે ૧૫ ઓકટોબર ૧૮૭૫ માં ૯ વર્ષ બાદ પુર્ણ થઈ હતી. શહેર અને પરા મળી ૫૨.૧૮ લાખ ચોરસવાર જમીન મપાઈ હતી. જેમાં ૧૧.૬૩ લાખ ચોરસવારમાં ખાનગી મકાનો, ૧૦.૯૬ લાખ ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતા હતા. શહેરની
માપણી કરવા તે સમયે ૧.૦૭ લાખનો ખર્ચ થયો હતો.


comments powered by Disqus