ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામ ઉપર રૂ. ૬૦૦ કરોડનો સટ્ટો રમાયો

Tuesday 14th September 2021 15:34 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર આવ્યો હતો. તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એકાએક રાજભવન પહોંચીને રાજીનામું આપતા ગુજરાતમાં રાજકારણમાં એક પ્રકારે પલ્ટો આવ્યો હતો. વિજય રૂપાણીના મુખ્યપ્રધાનપદના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતના બુકીઓએ કૌન બનેગા મુખ્યપ્રધાન પર સટ્ટો ખાલ્યો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, નિતિન પટેલ, પ્રફુલ પટેલના નામો ખુલ્યા હોવાથી સટ્ટોડિયાઓની સૌ પ્રથમ પસંદગી મનસુખ માંડવિયા હતી. જેમાં ૩૦ પૈસા ભાવ મનસુખ માંડવિયાનો ખુલ્યો હતો. તો પુરુષોતમ રૂપાલા માટે ૨૦ પૈસા અને  નિતિન પટેલ માટે ૧૮ પૈસા ભાવ હતો. જેમાં માત્ર ૨૨ કલાકમાં જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાંથી સટ્ટોડિયાઓએ રૂપિયા ૬૦૦ કરોડનો દાવ લગાવી દીધો હતો. જેમાં સૌથી વધારે રૂ. ૪૦૦ કરોડનો સટ્ટો માત્ર સૌરાષ્ટ્રમાંથી રમાયો હતો. તા. ૧૨ના રવિવારે બપોરે બે વાગે બુકીઓએ ભાવ લેવાનું બંધ કર્યું ત્યારે મનસુખ માંડવિયા માટે ૩૫ પૈસા અને નિતિન પટેલ માટે ૨૫ પૈસા સુધીનો ભાવ પહોંચી ગયો હતો.  જો કે છેલ્લી ઘડીએ ભૂપેન્દ્ર પટેલનું નામ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આવતા તમામ સટ્ટોડીયાઓએ રૂપિયા ૬૦૦ કરોડની માતબર રકમ ગુમાવી હતી. 


comments powered by Disqus