જૈનોની નગરી ગણાતા શંખેશ્વર ખાતે સાકાર થઈ રહી છે વિશ્વની સૌથી મોટી જૈન યુનિવર્સિટી

Tuesday 14th September 2021 12:58 EDT
 
 

પાટણઃ પાટણ જિલ્લાનું શંખેશ્વર જૈન તીર્થ એ જૈનો માટે કાશી જેટલું મહત્વ ધરાવે છે. ત્યારે આ પવિત્ર જૈનોની નગરી ગણાતા શંખેશ્વરમાં જૈનોનાં આસ્થાના પ્રતીક સમાન એક ભવ્ય શ્રુત મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે અને આ જૈન મંદિરમાં કદાચ વિશ્વની એક માત્ર લેખાવી શકાય તેવી જૈન યુનિવર્સિટીનું પણ નિર્માણ થનાર છે જે યુનિવર્સિટી આગામી ૧ વર્ષ માં શરૂ તેવી તૈયારીઓ પણ હાલમાં ચાલી રહી છે.
આ ભવ્ય જૈન મંદિર અને જૈન યુનિવર્સિટીમાં ૭૦૦ સુવર્ણ શીલા સ્થાપન કરવામાં આવી છે. તો જૈન સાશનના ૪૫૦ વર્ષ બાદ આ શ્રુતિ મંદિરનું શંખેશ્ર્વર ખાતે નિર્માણ થનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. અહીં કૂલ ૧૦૦૮ શીલાની સ્થાપના કરવાની હોય જેના માટે પ્રથમ તબક્કાનું ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
શંખેશ્વર મુકામે જૈન યુનિવર્સિટિ અને શ્રુત મંદિર નિર્માણમાં જ્ઞાનની દેવી સરસ્વતી ૯ ફૂટ ઊંચી મૂર્તિ મુકવામાં આવશે. તેમજ પાટણ જિલ્લામાં અને વિશ્વમાં જૈન ગ્રંથ કે જૈનેતરને લગતી જે કોઈ માહિતી હશે તેનો અહીં સંગ્રહ કરવામાં આવશે અને આ સાહિત્ય એક હજાર વર્ષ સુધી સચવાઈ તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાની સાથે હિન્દુ ધર્મનાં રામાયણ અને મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોને ડિજીટલ સ્વરૂપ આપવામાં આવનાર હોવાનું જૈન યુનિવર્સિટી સાથે સંકળાયેલા આશિષભાઈ શાહે જણાવ્યું હતું.
સંસ્કૃત ભાષાનું જ્ઞાન નિઃશુલ્ક આપવામાં આવશે
શંખેશ્વર ખાતે આકાર પામનાર વિશ્વની સૌથી મોટી જૈન યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા શિખવા માટે કોઈપણ સાધુ, સાધ્વી કે વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં નિઃશુલ્ક શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું ટ્રસ્ટી કેયુરભાઈ શાહે જણાવ્યું હતું.


comments powered by Disqus