પાટણઃ દેશમાં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત વર્ષ ૧૮૯૩માં લોકમાન્ય ટિળકે શરૂ કરાવી હોવાનું કહેવાય છે, પરંતુ પાટણ શહેરમાં ૧૮૯૩ પહેલાં ૧૮૭૭-૭૮થી સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે પાટણની શ્રી ગજાનંદ મંડળી દ્વારા થતી ગણેશોત્સવની ઉજવણી આજે પણ ચાલુ છે. આ વર્ષે અહીં ૧૪૪માં ગણેશોત્સવનું આયોજન કરાશે. પાટણની શ્રી ગજાનંદ મંડળીએ પૂરાવા સાથે દાવો કર્યો છેકે, દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત પાટણે કરી હતી.
ગુજરાત અને ભારતમાં સાર્વજનિક ગણેશોત્સવની સૌપ્રથમ શરૂઆત પાટણમાં વર્ષ ૧૮૭૭-૭૮માં ગાયકવાડી શાસન દરમિયાન થઈ હતી. ગાયકવાડીરાજમાં વહીવટદાર એવા ગોવિંદરાવ યશવંતરાવના હસ્તે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ પાટણના રામજી મંદિર, બાદમાં રાધાકૃષ્ણ મંદિર અને પછી મરાઠી શાળામાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી. આજના યુગમાં હવે ઈકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવવાનું શરૂ થયું છે. ત્યારે પાટણ શહેરમાં તો ૧૮૭૭-૭૮થી ઊજવાતા ગણેશ ઉત્સવમાં તો શરૂઆતથી જ માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
૧૮૭૭-૭૮માં શરૂ થયેલી ભગવાન શ્રીગણેશજીની ઉજવણીના ૧૯૨૮માં ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રિયન તમામ પરિવારોને, જેઓ સંસ્થામાં સભ્ય હતા તેમજ દાનવીર શ્રેષ્ઠીઓને ચાંદીના સિક્કા પાટણ ગજાનન મંડળી દ્વારા ભેટ આપવામાં આવ્યા હતા તેમજ ૧૯૭૮માં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, એમાં ભગવાનના ફોટાવાળા ચાંદીના સિક્કાની વહેંચણી કરવામાં આવી હતી.
આઝાદીની ચળવળને પગલે અમૃત મહોત્સવની ઉજવણી મોકૂફ રાખી હતી
મહારાષ્ટ્રિયન પરિવારો દ્વારા શરૂ કરાયેલી ભગવાન ગણેશજીના મહોત્સવની ઉજવણી, એટલે કે ગણેશચતુર્થીની ઉજવણીને ઈ.સ. ૧૯૪૨માં ૭૫ વર્ષ પૂર્ણ થતાં હોઈ, તેમની ઉજવણીની તૈયારી હાથ ધરાઈ હતી, પરંતુ એ સમયે દેશની આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી અને લોકો આઝાદીની ચળવળમાં હતા, જેને પગલે છેવટે ગણેશચતુર્થીની ૭૫ વર્ષની ઉજવણીનો કાર્યકમ ધામધૂમથી કરવાનો મોકૂફ રાખી સાદગીથી એ કરાઈ હતી. ૨૦૨૦ કોરોના મહામારીને કારણે પણ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. ૨૦૨૧માં પણ ૧૧ દિવસ સાદગીપૂર્ણ રીતે મહોત્સવ ઊજવાયો હતો.

