ભુજઃ ધોળાવીરા હવે વિશ્વ વિરાસત સ્થળ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ બનતા ખડીરમાં હવે મોટી સંખ્યામાં દેશ અને વિદેશના પ્રવાસીઓ આવશે. જોકે ગુજરાત પ્રવાસન વિભાગે જેતે વખતે ધોળાવીરામાં સુવિધા વધારવાની કોઇ ખાસ તસ્દી લીધી ન હતી. હવે પ્રવાસીઓને આકર્ષવા વિવિધ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ પ્રવાસન વિભાગની વેબસાઇટમાં ધોળાવીરા પહોંચવા અંગેની માહિતી હજુ ભુલ ભરેલી છે. વેબસાઇટમાં ધોળાવીરા પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન ભુજ બતાવયું છે ! જે ખોટી માહિતી છે. કારણ કે ભુજ રેલવે સ્ટેશનથી ધોળાવીરા સુધીનું અંતર અધધ ૨૧૩ કિમી થાય છે.
પરંતુ તેનાથી નજીકના સ્ટેશન કચ્છમાં અનેક છે. જેમ કે સૌથી નજીકનું રેલવે સ્ટેશન (જ્યાં ટ્રેન થોભતી હોય) સામખિયાળી છે. સામખિયાળીથી ધોળાવીરાનું અંતર માત્ર ૧૩૭ કિમી છે. આ સિવાય પણ ભચાઉથી ૧૫૨ કિમી, અંજારથી ૧૯૧ કિમી, ગાંધીધામથી ૧૮૭ કિમી ધોળાવીરા થાય છે. પરંતુ પ્રવાસન વિભાગે ૨૧૩કિમી દૂર ભૂજ રેલવે સ્ટેશન ધોળાવીરાનું જૈથી નજીકનું સ્ટેશન બતાવ્યું છે.
તો બીજીબાજુ એરપોર્ટના સ્થાને અંગે પણ ખોટી માહિતી આપવામાં આવી છે. સૌથી નજીકનું એરપોર્ટ કંડલા છે. જે ધોળાવીરાથી ૧૯૧ કિમી થાય છે. જ્યારે ભૂજ એરપોર્ટ અંદાજે ૨૧૫ કિમી થાય છે. પણ અહીં પણ નજીકનું રેલવે સ્ટેશન ભૂજ બતાવ્યું છે. ખરેખર તો કંડલા એરપોર્ટ નજીક હોવાથી સાથે ભૂજની સરખામણીએ વધારે ફ્લાઇટની સંખ્યા પણ ધરાવે છે. આમ પ્રવાસન વિભાગને પોતાની માહિતી યોગ્ય કરવાની જરૂરીયાત છે.

