નવસારીમાં પારસી સમુદાય દ્વારા બુધના પથ્થરમાંથી કેરળમાં બનેલી ૧૫૦ કિલોની ગણેશજીની મૂર્તિનું સ્થાપન

Tuesday 14th September 2021 13:33 EDT
 
 

નવસારી: શહેરનાં પાંચ હાટડી ખાતે છેલ્લાં ૧૫ વર્ષથી પારસી સમુદાય દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મંડપમાં કેરળમાં બુધનાં એકજ પથ્થરમાંથી આકાર પામેલી ૧૫૦ કિલો વજનની ભવ્ય-દિવ્ય ગણેશની મૂર્તિની વિધિવિધાન પૂર્વક સ્થાપના કરવામાં આવી છે. આ અખંડ પથ્થરમાંથી નિર્માણ થયેલી અલભ્ય મૂર્તિ ૧૨૫ વર્ષ જુની હોવાનું જાણવા મળે છે. તેને ૯ તોલા વજનનાં સોનાના દાગીના પહેરાવવામાં આવ્યા છે.
નવસારીનાં પાંચ હાટડી-જુનાથાણા રોડ પર શેઠ આર.જે.જે. હાઈસ્કૂલની સામે ૧૯૮૬થી શ્રી સાર્વજનિક ગણેશ મંડળ ઉજવણી કરે છે. જોકે, ૧૫ વર્ષ અગાઉ આયોજકો દ્વારા દોડધામ કરનારાઓની સંખ્યા ઘટતા ગણેશોત્સવની ઉજવણી બંધ કરવાની વિચારણા કરી હતી. પરંતુ નજીકમાં આવેલાં પિંજારા મહોલ્લામાં રહેતા ૧૫-૨૦ પારસી પરિવારોએ ઉજવણી ચાલુ રાખવાની વિનંતી કરી હતી. ત્યારથી દર વર્ષે પારસી સમુદાય નિયમિત ગણપતિની સ્થાપના કરે છે. કેટલાંક લોકો નોકરી-ધંધા માટે મુંબઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, કોલકત્તા ગયા છે તેઓ તમામ કામ સાઈટ પર મૂકીને ''ગણપતિ બાપ્પા''ની સેવા માટે ૧૦ દિવસની રજા લઈ નવસારી આવી જાય છે. ઉપરાંત વિદેશ ગયેલા પારસીઓ સારૂ ધન મોકલાવે છે. અને તેનો વીડિયો કોલિંગ દ્વારા આરતીમાં જોડાય પણ છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાનાં કારણે સાદાઈથી ઉજવણી થઈ હતી. પરંતુ ચાલુ વર્ષે ફરીથી ગણપતિ ઉત્સવ ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે.


comments powered by Disqus