રાજકોટઃ શહેરના મવડી-કણકોટ રોડ પરના સ્મશાન પાસે આવેલા ક્રિષ્ના પ્લસ હેવન બિલ્ડિંગમાં ૧૨માં માળે રહેતા ગોપાલભાઈ પોપટભાઈ ચાવડા અને નિર્મળાબેન ચાવડા (ઉ.પ૮) નામના વેપારી દંપતીએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડનોટ મળી આવતા કબજે કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગોપાલભાઈ ચાવડા દોઢસો ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે સાક્ષી નામે ત્રણ માળનો ગારમેન્ટનો શોરૂમ ધરાવતા હતા અને સંતાનમાં એક પુત્ર રાહુલ છે. છ માસ પહેલા ૬૦ લાખનો ફલેટ ખરીદ્યો હતો અને રહેવા આવ્યા હતા. સુસાઈડનોટમાં દેણું ભરવા માટેથી બેડીમાં આવેલો પ્લોટ વેચી નાખવાનું અને કોઈ મારા પરીવારને હેરાન ન કરતા હોવાનું જણાવ્યું હતું. કોરોના-લોકડાઉનના કારણે મંદી આવતા દેણું થઈ જવાથી આ પગલું ભર્યાંનું બહાર આવ્યું હતું.
