અમદાવાદ: શહેરના રિઅલ એસ્ટેટ અને મીડિયા જૂથ સમભાવ ગ્રુપ પર ઈન્કમટેક્સે પાડેલી રેડ દરમિયાન રૂ. ૧ હજાર કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહારો પકડાયા હોવાનો દાવો કરાયો છે. એક નિવેદનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે ૮ સપ્ટેમ્બરે જૂથના ૨૦ સ્થળે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કેટલાક ગુનાઇત દસ્તાવેજો મળ્યા હોવાનું પણ જાણવા મળે છે.
સત્તાવાર યાદી મુજબ સમભાવ ગ્રુપ ઈલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલું છે. જૂથની રિઅલ એસ્ટેટ પાંખ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યવસાયમાં છે. વિવિધ આકારણી વર્ષા હિસાબો તપાસ્યા પછી રૂ.૧ હજાર કરોડથી વધુ રકમના બિનહિસાબી વ્યવહાર પકડી પાડ્યા છે.
ઈન્કમટેક્સે જૂથના ૧૪ લોકરો પર નિયંત્રણો લાદ્યા છે. જ્યારે રૂ.૧ કરોડ રોકડા અને રૂ. ૨.૭૦ કરોડની જ્વેલરી જપ્ત કરી છે. સમભાવ ગ્રૂપના મીડિયા પોર્ટફોલિયોમાં ગુજરાતી ન્યુઝ ચેનલ વીટીવી, અભિયાન મેગેઝિન, સમભાવ મેટ્રો અખબાર અને ટોપ એફએમ રેડિયો સ્ટેશનનો સમાવેશ થાય છે. ચેનલ હેડ હેમંત ગોલાણીએ વીટીવીના પ્રીમાઈસીસમાં રેડ પાડવામાં આવી હોવાનું સમર્થન આપ્યું હતું. સીબીડીટીના સૂત્રો અનુસાર, દરોડા દરમિયાન કેટલાંક ગુનાઇત દસ્તાવેજો અને છૂટા કાગળો જપ્ત કરાયા છે. આ બાબતે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ સર્ટિફિકેટના વેચાણથી રૂ. ૫૦૦ કરોડથી વધુ બિનહિસાબી આવક, જમીનના સોદા અને રિઅલ એસ્ટેટમાં રૂ. ૩૫૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો અને બિનહિસાબી રોકડ આધારિત લોન-ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં પણ રૂ.૧૫૦ કરોડના ગોટાળાના ગુનાઇત પુરાવા મળ્યા છે.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વહેલી સવારે બિલ્ડર સમભાવ મીડિયા ગ્રુપના પ્રોપરાઈટરો તેમજ જાણીતા બ્રોકર દીપક અજિતકુમાર ઠક્કર અને યોગેશ કનૈયાલાલ પૂજારાના ઘર અને ઓફિસો પર દરોડો પાડ્યો હતો. જેમાં જપ્ત કરેલાં કમ્પ્યુટર, લેપટોપ, પેનડ્રાઈવ, ડોક્યુમેન્ટની વધુ તપાસ હાલમાં ચાલી રહી છે.
